પાતાળ પ્રવેશ 
 જૂલે વર્ન 
પ્રકરણ_૧૫

પથ્થરમાંથી પાણી

ફરી અમારું ઊતરવાનું શરૂ થયું, હેન્સ સૌથી આગળ હતો, અમે સોએક પગલાં ગયા હોઈશું ત્યાં પ્રોફેસર સાહેબે દીવાલો પર બત્તીનો રકાશ નાખીને કહ્યું : જો આ ખડકો પ્રાથમિક દશાના છે, આ જ રસ્તો સાચો છે."
ખનિજશાસ્ત્રીઓ બધા એક વાર આ બાજુ મુસાફરીએ નીકળે તો ગાંડા જ થઈ જાય, એટલી અભ્યાસની સામી અહીં ભરી હતી. તાંબું, મેંગેનિઝ, ક્યાંક પ્લેટિનમ, ક્યાંક સોંનું વગેરે ધાતુઓ ખડકોની સાથે મળીને ચળકારા કરી રહી હતી. માણસોની દૃષ્ટિથી પર રહીને આ બધી ધાતુઓ અહીં સ્વચ્છંદે રાચતી હતી.
રાતના આઠ વાગ્યા સુધીમાં તો પાણી ક્યાંયે ન દેખાયું અને ધીમે ધીમે હું હિંમત હારવા લાગ્યો.
મારું શરીર પણ હવે ચાલવાની ના પાડવા લાગ્યું. મારા દુઃખ તરફ મારા કાકાનું ધ્યાન ન ખેંચાય એ માટે મારાથી બનતા પ્રયત્ન મેં કર્યા, પણ આખરે મારાથી બૂમ પડાઈ : ‘મદદ ! મદદ !' અને હું પટકાઈ પડ્યો.
મારા કાકા તરત પાછા ફર્યા. મારા તરફ જોઈને લાંબા હાથ કરીને તે બોલી ઊઠ્યા : 'બસ થઈ રહ્યું !!
હું બેભાન થઈ ગયો, થોડી વારે હું ભાનમાં આવ્યો, પણ મારામાં માગવાની શક્તિ ન હતી, હું કબરમાં પડ્યો હોઉં એમ મને લાગ્યું, છેવટે મેં કાંઈક અવાજ સાંભળ્યો; આંખ ઉઘાડીને જોયું તો હેન્સ અંધારામાં ધીમે ધીમે અદૃશ્ય થતો હતો.
તે અમને મૂકીને ભાગી જતો હશે ! મેં બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો, પણ બૂમ ન પાડી શકાઈ, અને એમ શંકા શું કામ લાવવી ? તે ઉપર નહોતો જતો પણ આગળ જતો હતો. મને થયું : હેન્સ પાણીની શોધમાં તો નહિ જતો હોય ? લગભગ બેએક કલાક સુધી ભયંકર વિચારોમાં ને વિચારોમાં મારું મગજ ગૂંચવાઈ ગયું. મને લાગ્યું કે હું ગાંડો જ થઈ ગયો છું. પણ આખરે પગલાં પાછાં ફરતાં સંભળા, હેન્સ પાછો આવતો હતો, તેણે આવીને મારા કાકાને જગાડ્યા, બેઠા કર્યા અને બોલ્યો : ‘પાણી છે,'
“ક્યાં છે ?”
‘નીચેના ભાગમાં,’
મારામાંયે નવું ચેતન આવ્યું. કાકાએ તથા ભોમિયાએ હાથ પકડીને મને બેઠો કર્યો, અને અમે આગળ વધ્યા, પાણીની આશામાં ને આશામાં લગભગ એક કલાક અમે ચાલ્યા ત્યાં અમારા કાનમાં ઉપર કંઈક નવો અવાજ આવવા લાગ્યો, જાણે દૂર દૂર કંઈક ઘુઘવાટ થતો હોય એમ અમને લાગ્યું.
*હેન્સની ભૂલ નથી, જરૂર આટલામાં ક્યાંક પાણીનું વહેણ છે.' મારા કાકા બોલ્યા.
'પાણીનું વહેણ ?"
“હા. પૃથ્વીના આ ગર્ભમાં કાંઇક ઝરણું હોવું જોઈએ.’
અમે વધારે ઉતાવળા ચાલ્યા. પાણીના અવાજે મારામાં નવું ચેતન પૂર્યુ. પડખેની ખડકની દીવાલમાંથી જ એ અવાજ આવતો હતો પણ પાણી દેખાતું ન હતું. સંભળાય છે છતાં દેખાતું કેમ નથી ? અમારી ને પાણીની વચ્ચે કાળમીંઢ પથ્થરની દીવાલ હતી. હું નિરાશ થયો, દીવાલ ક્યારે પૂરી થાય ને પાણી દેખાય ? ત્યાં તો હેન્સે એક હાથમાં બત્તી લીધી અને બીજા હાથમાં તીકમ લઈને તે આગળ વધ્યો. હું તેની પાછળ ચાલ્યો. દીવાલ પાસે જઈને તેણે કાન માંડ્યા. અને બે-ત્રણ જગ્યાએ તપાસીને અવાજ કર્યાં, વધારેમાં વધારે પાસે છે, તેની તેણે તપાસ કરી, આખરે તેને એક જગ્યા જડી,
હું આ બધું હજી સમજ્યો નહોતો, મને થતું હતું કે અત્યારે આ ભોમિયો આ શો યોગ કરતો હશે? પણ જ્યારે તેણે તીકમ ઉપાડી જોરશી દીવાલ ઉપર ઘા માર્યો ત્યારે મને બધું સમજાયું.
‘શાબાશ !” હું તથા મારા કાકા બન્ને બોલી ઊઠ્યા. પાણી મેળવવાની આ સાવ સાદી રીત જે અમને ભણેલાને ન સૂઝી તે આ ગામડિયાને તરત સૂઝી આવી હતી !
આ રીતે ખડક તોડવામાં પૂરેપૂરું જોખમ હતું. આમાં ક્યાંઈક ભેખડ ખરો તો તેની ઉપરની ભેખડો નીચે ધસી આવે, ને અમારું નામનિશાન પણ ન રહે ! અથવા કદાચ પાણીનો આ પ્રવાહ ઓચિંતો વધે તો અમને બધાયને તાણી જાય !
પણ હેન્સ ખૂબ ધીરજથી કામ કરતો હતો. ધીમે ધીમે તેણે ખડકમાં ગાબડું પાડવા માંડ્યું. એક કલાકને અંતે બે ફૂટનું ગાબડું પડયું. મારી ધીરજ ખૂટવા માંડી, મારા કાકાની પણ ધીરજ ખૂટી, અમે તો તીકમ વડે અમારા બળનો પ્રયોગ કરવા જતા હતા, ત્યાં એકાએક સુસવાટો સંભળાયો, અને પાણીનો જબરો ધોધ એ ગાબડામાંથી છૂટ્યો ને સીધો સામી દીવાલ ઉપર અફળાયો !
પાણીના એ ઓચિંતા હુમલાથી હેન્સ પણ સામેના ખડક સાથે અથડાયો, અને તેનાથી બૂમ પાડી જવાઈ, મેં મારા હાથ એ પાણીને અડાડ્યા, તો મારાથી પણ બૂમ પાડી જવાઈ. પાણી ખૂબ ગરમ હતું.
‘૧૦૦ ડિગ્ની ગરમ છે.” મેં કહ્યું.
“કંઈ વાંધો નથી . હમણાં ઠરી જશે.’
થોડી વારમાં બોગદામાં બધે વરાળ થઈ ગઈ ! પાણી અમારે જવાના માર્ગમાં નીચે ને નીચે વહેવા માંડ્યું, અમે ખોબે ખોબે પાણી પીવા માંડ્યા.
અમને કેટલો આનંદ થયો હશે ? પાણી કેવું હશે ? ક્યાંથી આવતું હશે ? વગેરે જાણવાની અત્યારે અમને પરવા નહોતી, પાણી હજુ થોડું થોડું ગરમ હતું પણ અમે તો પેટ ફાટાફાટ પીધું અને લગભગ ગળા સુધી આવેલા અમારા પ્રાણને પાછા શરીરમાં ધકેલી દીધા.
એકાદ મિનિટ પછી મને ખબર પડી કે પાણીમાં લોહ છે.
મેં મારા કાકાને આ વાત કરી. ‘બહુ મજાનું, લોહવાળું પાણી આપણને તાકાત આપશે, પૃથ્વીની સપાટીથી છ માઈલ નીચે વહેતી આ નદીનું પાણી હેન્સ હોય તો જ આપણને મળે, માટે આ ઝરણાનું નામ હેન્સ નદી પાડો,’
એમાં કોને વાંધો હોય ! હેન્સને તો આની સાથે કાંઈ લેવાદેવા જ નહોતી,
પાણી પીઈને તે એક ઠેકાણે નિરાંતે બેઠો હતો, અને પોતાનું મોં ધોતો હતો,
“હવે? આપણે આ પાણીને આમ નકામું ન જવા દેવું.’ “કેમ? આ પાણી કંઈ ખૂટવાનું નથી.'
“તો પણ, આપણે આપણી મશકો પૂરી ભરી લઈએ, અને પછી એ બાંકું બંધ કરી દઈએ.'
અમારી સલાહ માન્ય રાખીને હેન્સ બાંકું પથ્થરોથી પૂરવા ગયો પણ એમાં પોતે આખો ભીંજાઈ ગયો; કશું ન વળ્યું!
પણ આપણે એ બંધ જ શું કામ કરી દેવું?' મારા કાકાએ પૂછ્યું
મને પણ તે બંધ કરવાનું કંઈ કારણ દેખાયું નહિ.
આ બંધ કરવામાં તો ઊલટું નુકસાન છે, આ નદી આગળ ને આગળ ચાલશે. આપણને રસ્તો બતાવશે, એટલું જ નહિ પણ જ્યારે જોઈએ ત્યારે પાણી પૂરું પાડશે !'
“અરે, એ તો આપણને સૂઝ્યું જ નહિ !' મેં કહ્યું, `આ નદી એ આપણી મુસાફરીનું પહેલું શુભ ચિહ્ન છે, આપણે જરૂર સફળ થઈશું.'
'હં, હવે ઠેકાણે આવ્યો !’ મારા કાકાએ હસીને કહ્યું.
‘હા, હવે હું તૈયાર છું.”
“પણ ઊભો રહે, અત્યારે તો રાત પડવા આવી છે, અને વાળુ કરવાનો વખત થયો છે.
“હા. એ તો આ આનંદમાં હું ભૂલી ગયો,”
અમે નિરાંતે પેટ ભરીને ખાધું ને પછી રણેય જણા ઘસઘસાટ ઊંઘી ગયા,