પાતાળ પ્રવેશ  
જૂલે વર્ન

પ્રકરણ_૬
આઈસલૅન્ડ

આખરે વિદાયની ઘડી આવી પહોંચી. થરથરતે પગે અને કંપતે હૈયે મેં વહાણમાં પગ મૂક્યો; જાણે કાયમને માટે હું દુનિયા છોડીને જતો હોઉં એવું ઘડીભર મને થઈ ગયું પણ મારા કાકા જ્યારે કૂદકો મારીને વહાણ ઉપર ચડ્યા ત્યારે મને લાગ્યું કે હું એકલો નથી, એટલે મારામાં થોડીએક હિંમત આવી.
મિ, થોમ્પસન અમને વળાવવા વહાણ સુધી આવ્યા હતા; અને આઈસલેન્ડમાં તેમના ઓળખીતા ઉપર ભલામણના કાગળો પણ તેમણે અમને આપ્યા હતા,
બીજી જૂને સવારે છ વાગે વહાણ ઊપડ્યું અને અમારી નાની એવી કોટડીમાં બધો સામાન અમે ગોઠવીને બેઠા,
પવન ખૂબ અનુકૂળ હતો, નૈઋ ત્ય દિશાનો પવન અમારા વહાણને ધીરે ધીરે દોરી જતો હતો, શેક્સ્પિયરના ખ્યાત નાટક હેમ્લેટમાંનો એલ્સીનોરનો કિનારો મારી નજર આગળથી પસાર થઈ ગયો. અમારું વહાણ ખૂબ સરસ હતું. પણ છતાં આખરે તો તે વહાણ જ ને ? જો
પહોંચાડે તો વહેલું પહોંચાડે, નહિ તો મહિનાના મહિનાઓ વચ્ચે કાઢી નાખે ! આ વહાણમાં આઈસલૅન્ડ માટે કોલસો, ઘરવખરીનો સામાન, ઊનનું કાપડ અને ખાવાની ચીજો વગેરે ઘણું ભર્યું હતું. વહાણના ખલાસીઓની સંખ્યા પાંચની જ હતી, સાંજને વખતે અમારું વહાણ સ્કેગરની ભૂશિર પાસે આવી પહોંચ્યું ડેન્માર્કનો અહીં છેડો આવે છે. અહીંથી નોર્વેના દક્ષિણ છેડા પાસે નેઝની ભૂશિર પાસે થઈને ઉત્તર મહાસાગરમાં અમારું વહાણ પેઠું, બે દિવસ પછી સ્કૉટલૅન્ડનો કિનારો થોડોએક દેખાયો ન દેખાયો અને અમારું વહાણ ફેરોના બેટો તરફ ચાલ્યું. અહીંથી અમારું વહાણ સીધું આઈસલૅન્ડના દક્ષિણ કિનારા તરફ ઊપડ્યું. રસ્તામાં કોઈ ખાસ બનાવ બન્યો નહીં. મને દરિયાએ બહુ હેરાન ન કર્યો, પણ મારા કાકાને બિચારાને તો ઓરડીમાં પુરાઈ રહેવું પડયું. તેમને દરિયો બરાબર લાગ્યો હતો, એટલે આઈસલૅન્ડ વિષેની જે માહિતી તેમને વહાણના ખલાસીઓ પાસેથી જાણવી હતી, તે તો એમ ને એમ રહી ગઈ !
અગિયારમી તારીખે પોર્ટલેન્ડની ભૂશિર વટાવીને અમારું વહાણ પશ્ચિમ તરફ વળ્યું. અહીં દરિયામાં શાર્ક અને વહેલ માછલીઓનું મોટું રહેઠાણ ગણાય છે. તોફાની મોજાંઓ સાથે ટક્કર લેતા વેસ્ટમેન બેટના ખડકો અહીં દેખાતા હતા.
અડતાળીશ કલાક પછી અમારું વહાણ ‘સ્કેગન પોઈંટ’ પાસે આવી પહોંચ્યું. આ જગ્યા ખૂબ ખરાબાવાળી ગણાય છે. અહીં આઈસલેન્ડના કિનારાનો ભોમિયો જે અમારી સામે અમારા વહાણને લેવા માટે આવ્યો હતો, તેણે અમારા વહાણનું સુકાન હાય ઘર્યું, અને સહીસલામત અમે ફાકસાના અખાતમાં આવી પહોંચ્યા.
માંદગીને લીધે ફિક્કા છતાં આનંદી ચહેરે મારા કાકા કૅબિનમાંથી બહાર નીકળ્યા. બંદર ઉપર કેટલાયે માણસો વહાણમાં આવેલા પોતપોતાના સામાનની રાહ જોતાં ઊભા હતા.
મારા કાકા આ તરતા કેદખાનામાં હવે ઘડીભર પણ પડયા રહે એમ ન હતા. તેઓ કિનારા પર કૂદી પડયા, અને નીચે ઊતરીને દૂર દૂર ક્ષિતિજમાં મને આંગળી ચીંધીને કાંઈક બતાવ્યું અને બોલી ઊઠ્યા : ‘સ્નેફેલ, સ્નેફેલ !”
થોડી વારે આઈસલૅન્ડના ગવર્નર મિ ફ્રેમ્પ અમારી નજરે પડયા, મારા કાકાએ તેમના હાથમાં કૉપનહેગનથી લાવેલો ભલામણપ મૂક્યો; પછી બે જણા વચ્ચે
ડેનિસ ભાષામાં થોડીએક વાતચીત થઈ. એનો સાર એ હતો કે ગવર્નર સાહેબ રોફેસર સાહેબને જોઈએ તે મદદ આપવા તૈયાર હતા,
પણ સૌથી વધારે અમને તો ફીક્સિના નામના એક રિવિક શહેરની નિશાળના શિક્ષક સાથે ફાવી ગયું. જોકે તેને આઈસલૅન્ડની અને લૅટિન – એ બે જ ભાષાઓ આવડતી હતી; પણ મારી ભાંગીતૂટી લૅટિન ભાષાથી પણ તેની સાથે હું થોડા જ વખતમાં મિરાચારી બાંધી શક્યો.
“હાશ !” તે શિક્ષકે અમને આપેલા ઉતારામાં ખુરશી પર બેસતાં બેસતાં પ્રોફેસર બોલ્યા : " આપણી અડધી મુસાફરી તો પૂરી થઈ ગઈ.”
“અડધી મુસાફરી ? હજુ તો આપણે સ્નેફેલ પર્વત પાસે પણ પહોંચ્યા નથી !'
પણ એમાં શું બાકી છે ? પર્વત ઉપર તો થોડા જ દિવસોમાં પહોંચી જઈશું. અને ઉપર ચડ્યા પછી તો નીચે ઊતરવાનું જ બાકી છે ને ??
"કેમ !! નીચે ઊતરવાનું જ શાનું ? પાછું ફરીને ઉપર નહીં આવવું પડે ?” “અરેરે ! એની શું કામ ચિંતા કરે છે ? જેમ નીચે ઊતરશું તેમ જ પાછા ઉપર ચડીશું ! જો, હું અહીંના પુસ્તકાલયમાં જઈ આવું. ત્યાં સેક્સુસમના હસ્તલિખિત કંઈ થો હોય તો જોઈ આવું. તેમાંથી કંઈ મળી આવશે.”
મારે તેમની સાથે જવું ન હતું. હું શહેરમાં ભટકવા નીકળી પડયો. ગામમાં ભૂલા પડવા જેવું કંઈ હતું જ નહિ, ગામ આખામાં ફક્ત બે શેરીઓ હતી. સમુદ્રને કિનારે કિનારે વેપારીઓ ને દુકાનદારોનાં મકાનોની કતાર લાગી ગઈ હતી. આ ઉપરાંત માછી-મારોનાં નાનાં નાનાં ઝૂંપડાંઓ પણ દેખાતાં હતાં. દૂર દૂર દેખાતો દેવળનો ઘુમ્મટ, ઊંચી ટેકરી પરનો ગવર્નરનો બંગલો અને આસપાસ લાવારસના નાના ડુંગરાઓ નજરે પડતા હતા.
કૉડ માછલીનો વેપાર અહીં મોટા પાયા ઉપર ચાલે છે. તેની સુકવણી અને તેનું પૅકિંગ વગેરે મેં જોયું, ત્યાંના રહેવાસીઓ ગોરા, પડછંદ અને આનંદી દેખાતા હતા.
ઊનના મોટા મોટા બેડોળ દેખાય તેવા ડગલા ને લેંઘા તેમણે પહેરેલા હતા.
હું ફરીને પાછો આવ્યો ત્યારે ભોજન તૈયાર હતું.


ક્રમશ.