પાતાળ પ્રવેશ 
 જૂલે વર્ન 

પ્રકરણ_૮
ભોમિયો


સાંજના થોડુંક ફરીને હું વહેલો સૂઈ ગયો; સવારમાં મારી પથારીમાં પડ્યાં પડ્યાં મારા કાને પડખેના ઓરડામાંથી મારા કાકાનો ઘાંટો આવતો સાંભળીને ઓઢવાનું ફેંકી દઈને સીધો હું ત્યાં પહોંચી ગયો.
પ્રોફેસર એક લાંબા પડછંદ માણસ સાથે ડેનિસ ભાષામાં વાત કરી રહ્યા હતા, મારી નજર પેલા માણસને જોતાંની સાથે જ તેની પર ઠરી ગઈ. બળની મૂર્તિ સમાન તે તેજસ્વી લાગતો હતો. તેની મોટી આંખોમાં ભોળપણ દેખાતું હતું. તેના વાંકડિયા વાળ તેના પહોળા ખભા ઉપર ગેલ કરતા હતા. તેનો દેખાવ ગામડિયા જેવો હોવા છતાં તે ઘણો જ સંસ્કારી હોય એમ લાગતું હતું. તેને જિંદગીમાં કદી ગુસ્સો ચડ્યો હશે એમ માની શકાય જ નહિ; તેમ દુનિયા આખીમાં ઊથલપાથલ થઈ જાય તોયે તેનું રૂંવાડું પણ ફરકે કે કેમ એ શંકા હતી.
જ્યારે એ એકધ્યાન થઈને મારા કાકાની વાતો સાંભળતો હતો, ત્યારે હું એકધ્યાન થઈને તે માણસનો ચહેરો જોઈ રહ્યો હતો, મારા મનમાં એવો તો ક્યાંથી ખ્યાલ હોય કે ખુદ આ માણસ અમને 'પાતાળવેશ'માં ભોમિયા તરીકે દોરશે ? મારા કાકાએ તો માણસને સ્નેફેલ સંબંધેની બધી માહિતી પૂછી, અને ભોમિયા તરીકે સાથે આવવાના પૈસાનો તેની સાથે કરાર કર્યો. પૈસા કે પગાર સંબંધમાં જરાય રકઝક કરવી ન પડી. બન્નેના સ્વભાવમાં ઉત્તરદક્ષિણ જેટલું અંતર હતું પણ આ સંગે તેઓ બન્ને મિત્ર બની ગયા.
બીજે દિવસે ઊપડવાનું નક્કી પણ થઈ ગયું. અમે અમારા સામાનની તજવીજમાં પડ્યા. સ્નેફેલ પર્વત સુધી તો સામાન ઉપાડનાર માણસો કે વાહન મળી રહે પણ એ પછી પાતાળમાં અમારી પાછળ મરવા માટે કોઈ મજૂર આવે એવો સંભવ હતો નહિ, એટલે જોઈએ તે કરતાં એક રૂપિયાભાર પણ વધારે સામાન ન લેવો એમ અમે ઠરાવ્યું. તોપણ આટલો સામાન તો લીધા વગર ચાલે તેમ જ ન હતું.
૧. ૧૫૦ ડિગ્રી સુધીનું એક સેન્ટિગ્રેડ થરમૉમિટર
૨, દરિયાની સપાટીના વાતાવરણ કરતાં પણ વધારે દબાણવાળા વાતાવરણનું માપ કાઢવા માટેનું એક મનોમિટર.
૩. હેમ્બર્ગના અક્ષાંશ માણે બરાબર મેળવાયેલું એક ઘડિયાળ,
૪, બે કંપાસ (હોકાયં),
૫. વીજળીની બત્તીઓ,
૬. હથિયારોમાં બે રાઈફલ, બે રિવોલ્વર અને ઠીક માણમાં દારૂ, આ દારૂને ભેજ ન લાગે એ રીતે પૅક કરી લીધો હતો.
૭. બીજાં સાધનોમાં બે કોદાળી, એક રેશમી દોરીની મોટી સીડી, થોડાક રૂ અને ખીલા, તેમ જ થોડાંએક ગાંઠોવાળાં દોરડાં, છેલ્લી જાતનો સામાન સૌથી વધારે ભારે હતો, પણ એ વગર ચાલે તેમ જ નહોતું બાકી તો ખાવાનો સામાન હતો, જોકે છ મહિના ચાલે એટલું ભાતું અમે સાથે લઈ લીધું, અને તે પણ બગડે નહિ એ રીતે સાચવીને પૅક કરેલું હતું, પરંતુ તેનો ભાર બહુ ન હતો. સાથે દવાની એક નાની પેટી હતી, એ ગણાવવાની જરૂર ન જ હોય, દવાનાં સાધનોમાં ઘા ઉપરના પાટાપિંડીનાં જ સાધનો ખાસ કરીને હતાં, આ ઉપરાંત મજબૂત જોડાની બે- રણ વધારાની જોડી પૈસા ભરવાની કેડે વીંટી શકાય તેવી ચામડાની એક કોથળી વગેરે તો સમજી લેવાનાં. થોડાએક સોનાના સિક્કા પણ સાથે રાખી લીધા. કદાચ પાતાળમાં રહેતી કોઈ વસ્તી સાથે વહેવાર પાડવામાં કામ આવે !
૧૪મી તારીખે અમે ત્યાંના ગવર્નરને ત્યાં મહેમાન તરીકે ગયા. ત્યાં અમને આઈસલૅન્ડના ઘણા મોટા મોટા માણસોનો પરિચય થયો,
આખી રાત ખૂબ અવસ્વસ્થ રીતે મેં કાઢી, મારા કાકાની સ્થિતિ કેવી હતી તે હું નથી કહી શકતો પણ તેમનેય બરાબર ઊંઘ આવી હોય એમ લાગ્યું નહિ. સવારના છ વાગ્યામાં અમારા ભોમિયા હેન્સે અમારો સામાન બે-રણ ટટ્ટુઓ ઉપર વ્યવસ્થિત ગોઠવી દીધો, અમને વળાવવા માટે અમારા યજમાન મિ. ફીક્સિન થોડે સુધી આવ્યા.
મારા કાકાએ ખૂબ હર્ષના આવેશમાં તેની સાથે હાથ મિલાવ્યા. મને તેની સાથે કાંઈ બોલવાનું સૂઝ્યું જ નહિ, પણ અમારી આંખો વડે અમે એકબીજાને ઘણું કહી નાખ્યું.
સ્નેફેલ તરફની અમારી કૂચ શરૂ થઈ .

ક્રમશ.