પાતાળ પ્રવેશ જૂલે વર્ન પ્રકરણ_૯
પાતાળ પ્રવેશ
જૂલે વર્ન
પ્રકરણ_૯
સ્નેલને રસ્તે
આકાશમાં વાદળાં હતાં, પણ દિવસ ખૂબ ફુલ્લ હતો, વરસાદની કે તડકાની બીક નહોતી, આઈસલૅન્ડની ખુશનુમા હવાએ મારા અંગેઅંગમાં ચેતન ભરી દીધું મારી સામે ઊભેલાં જોખમો અને ભય દૂર ખસી ગયાં, અને મારામાં ઉત્સાહની રેરણા થવા લાગી, ‘હું એવું તે કયું મોટું જોખમ ખેડી રહ્યો છું ? અજાણી જગ્યામાં જવું એમાં કયું મોટું સાહસ છે ! વળી મારાથી ઘરડા એવા મારા કાકાને જોઈને પણ મારે બીતાં શરમાવું જોઈએ, અને કદાચ ધારો કે જોખમમાં આવી પડ્યા, તોયે શું? અને કેવી જગ્યાએ જવાનું છે ? પૃથ્વીના મધ્યબિંદુ સુધી, દુનિયામાંથી કોઈએ પણ જ્યાં જવાની કલ્પના નથી કરી, ત્યાં પહોંચી જઈને એ જગ્યા ઉપર પગ મૂકવો, એનાથી વિશેષ ધન્ય કાર્ય બીજું કયું હોય ?”
અમે રિક્લેવિક નગરનો ટાપુ છોડ્યો, હોડીમાં થઈને અમે આઈસલૅન્ડના ડુંગરાળ પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યાંના મજબૂત ત્યારપાઓ ઉપર અમારા ટટ્ટુ વગેરેને સામાન સહિત ચડાવી દીધાં હતાં.
અમે બન્ને જણ પણ એક એક ઘોડા ઉપર બેઠેલા હતા, આઈસલેન્ડના ઘોડા આમ તો નાના, મારા કાકા જ્યારે ઘોડા ઉપર બેઠા ત્યારે તેમના પગ લગભગ જમીનને અડી ગયા અને જરા દૂરથી જોઈએ તો ચાર પગવાળા પાણીને બદલે છ પગવાળું રાણી જતું હોય એમ દેખાય ! આ ઘોડા ચાલવામાં ભારે જબરા, બરફ, વરસાદ, ટાઢ, તડકો કશું પણ એમના ઉપર અસર ન કરી શકે. ગમે તેવો ચઢાવ તેઓ સહેલાઈથી ચડી જાય, ગમે તેવી નદી આવે તો પણ તે અટકીને ઊભા ન રહે, પણ ઉપર બેઠેલા માણસ સહિત તરી જાય. દિવસના ત્રીસ માઈલ તો સહેજે કાપી નાખે ! પણ અમારો ભોમિયો પણ આ ઘોડાથી ઊતરે એવો ન હતો, તે પણ ઘોડાની સાથોસાથ ચાલતો હતો. અને થાક કોને કહેવાય તે તો તેને ખબર જ નહોતી, અમે ઘોડા પર બેઠા બેઠા થાક્યા, પણ એ ચાલતાં ન થાક્યો ! વચ્ચે અમે એક જગ્યાએ નાસ્તો કરવા બેઠા; ઘોડાઓને પણ ત્યાં ચરવા મૂક્યા, હેન્સને પહેલાં તો અમારી સાથે બેસીને નાસ્તો કરતાં સહેજ ક્ષોભ થયો હોય એમ લાગ્યું, પણ મારા કાકાએ તેને થોડી જ વારમાં અમારી સાથે બરાબર ભેળવી દીધો.
અમારો આખો દિવસ આ માણે મુસાફરીમાં જ ગયો, રાત પડવા આવી, પણ સૂર્ય હજુ આથમતો ન હતો, મને નવાઈ લાગી પણ તરત જ યાદ આવ્યું કે જૂન અને
જુલાઈમાં આ બાજુના એટલે કે ૬૫ અંશ ઉત્તર અક્ષાંશના ભાગોમાં સૂર્ય આથમતો જ નથી, પણ ઠંડી શરૂ થઈ ગઈ હતી, વધારામાં મને ભૂખ પણ લાગી હતી.
અમે એક ગામડા પાસે આવી પહોંચ્યા હતા. એક ખેડૂતના નાના એવા ઘરની અંદર અમારી ખૂબ સરસ આગતાસ્વાગતા થઈ, મકાન નાનું પણ સુંદર હતું. નાના નાના ચાર ખંડો હતા, એક ખંડ ખાસ મહેમાનો માટે જ હતો, ફક્ત તેમાં એક જ ખામી હતી, તે એ કે એ ખંડ બાંધતી વખતે મારા કાકાના શરીરની ઊંચાઈનું માપ ધ્યાનમાં રાખવામાં નહોતું આવ્યું ! રણ-ચાર વાર બારસાખ સાથે મારા કાકાનું કપાળ અથડાયું હશે. ઓરડાની નીચે ગાર કરેલી હતી. તેના ઉપર આઈસલૅન્ડના સુંવાળા ખંડની પથારીઓ કરેલી હતી. આટલી સગવડ અહીં મળશે એમ મેં ધારેલું નહિ. મકાન આખામાંથી છૂટતી માછલીની સુકવણીની તેમ જ છાણ, માંસ વગેરેની મિશ્ર વાસ નાકને હેરાન કરતી હતી. સામાન અમે નીચે ઉતાર્યો ન ઉતાર્યો ત્યાં તો અમને માલિક ખાવા બોલાવવા આવ્યો. અમે સીધા રસોડામાં પહોંચી ગયા. અમે ભોજનગૃહમાં આવ્યા, એટલે અમારા યજમાને `સુખી થાઓ એવો આશીર્વાદ અમને આપ્યો, અને ગાલ ઉપર ચુંબન કર્યું, તેની સ્ત્રીએ પણ આ માણે કર્યું. અને પછી બન્ને જણ્ણ જમણો હાથ છાતી પર રાખીને અમારી સામે જરાક નમ્યાં. અમારી આસપાસ આ દરમિયાનમાં કેટલાંય નાનાંમોટાં છોકરાંઓ વીંટળાઈ વળ્યાં હતાં. પાછળથી મને ખબર પડી કે આ બધાંય છોકરાં આ દંપતીનાં જ હતાં!
થોડી વારમાં તો આ છોકરાંઓ સાથે અમારે દોસ્તી થઈ ગઈ. દુનિયાના કોઈ પણ ભાગમાં છોકરાંઓ સાથે દોસ્તી બાંધતાં વાર લાગતી જ નથી, કારણ કે તેમની પાસે ભાષા નથી. ભાષા જ બધા ભેદ પડાવતી હશે ? અમારા ખભાઓ ઉપર થોડી જ વારમાં છોકરાંઓ રમવા માંડ્યાં, અને જે રહી ગયાં તે મોટેથી બૂમો પાડવા લાગ્યાં,
આ રીતે સંગીતનો ને નાચનો કાર્યક્રમ પૂરો થયો ન થયો ત્યાં તો ભાણાં પીરસાઈ ગયાં, દરમિયાન હેન્સ પણ આવી પહોંચ્યો. તેણે પણ નમસ્કારવિધિ કર્યો અને અમારી સાથે જમવા બેઠો, ખૂબ લહેરથી અને પેટ ભરીને અમે જમ્યા. જમ્યા પછી સગડીની આસપાસ અમે બધાં ઘડીક બેઠા, મારી આંખો ઘેરાવા માંડી, અને હું તો જઈને મારી પથારીમાં સૂઈ ગયો.
બીજે દિવસે પાંચ વાગે અમારી ટુકડી તૈયારી થઈ ગઈ, હેન્સે ઉપડવાની હાકલ દીધી ને અમારા ઘોડા તૈયાર થઈ ગયા.
ક્રમશ.
Post a Comment
0 Comments