પાતાળ પ્રવેશ 
જૂલે વર્ન 

પ્રકરણ_૧૦
દુનિયાને છેલ્લા નમસ્કાર


અમારી કૂચ આગળ ચાલી, મારા કાકાની નજર તો પેલા સ્નેફેલ પર્વત ઉપર ચોટેલી હતી, ‘એ રાક્ષસ ઉપર મારે ચઢાઈ કરવાની છે.' એમ તે વારંવાર બોલ્યા કરતા હતા. અમે થોડા જ વખતમાં સ્નેફેલ પવતની તળેટીમાં આવી પહોંચ્યા. તળેટીમાં જ સ્ટાપી નામનું એક ૩૦-૪૦ ઝૂંપડાંઓનું ગામડું છે. આ ગામ આખું લાવારસના ખડકો ઉપર બંધાયેલું છે. આ ગામ ઉપર જ્યારે સૂર્યનાં કિરણો સ્નેફેલના બરફ ઉપર થઈને તેના પ્રતિબિંબ રૂપે પડે છે, ત્યારે આખું ગામ કાશી ઊઠે છે.
કોણ જાણે કેમ, પણ આ લાવારસમાંથી કુદરત બહુ જ સુંદર આકારો બનાવે છે. જાણે મનુષ્યોને આકૃતિઓનું ભાન કરાવવા ઇચ્છતી હોય તેમ કુદરત આ લાવારસના ખડકોમાં ચોરસ, ષટ્કોણ વગેરે આકૃતિઓ બહુ જ માણસર બનાવે છે. અહીં આગળ દરિયાકિનારો લગભગ ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ખડકોની દીવાલોનો જ બંધાઈ ગયો હતો, અને તેની સાથે કુસ્તી કરી સમુદ્રનાં મોજાંઓએ ખડકોની અંદર સુંદર કમાનો બનાવી દીધી હતી, કોઈ કોઈ જગ્યાએ કોઈ મહાન દેખાવના અવશેષો જેવા, કાળમીંઢ પથ્થરોના ટુકડા રખડતા નજરે પડતા હતા.
ગામના મુખીને ત્યાં હેન્સ અમને લઈ ગયો, હેન્સે અમારા ઉતારા માટે એને ત્યાં વ્યવસ્થા કરી હતી. અહીંના ઉતારામાં કંઈ ઠેકાણું ન હતું નાની એવી ઓરડી હતી, પણ તે ખૂબ ગંધાતી હતી. એ સ્થળે જરાય રોકાવાય એવું ન હતું, એટલે મારા કાકાએ તો તરત જ ઊપડવાની તૈયારી કરવા માંડી, અહીંથી જ અમારું પર્વત પર ચડવાનું કામ શરૂ થયું હતું, એટલે હેન્સે અમારા ઘોડાઓ ઉપરનો સામાન ઉપાડવા માટે રણ-ચાર મજૂરો ગામમાંથી શોધી લીધા. આ મજૂરો ફક્ત જ્વાળામુખીના મુખના તળિયા સુધી જ આવવા તૈયાર હતા. તે પછી તો અમારે જ મજૂર થવાનું હતું.
અત્યાર સુધી મારા કાકાએ હેન્સને પોતાની મુસાફરીનું ધ્યેય કહ્યું ન હતું, પણ હવે તે કહ્યા વગર છૂટકો જ ન હતો. મારા કાકાને બીક હતી કે હેન્સ જ્યારે જ્વાળામુખીના ગર્ભમાં ઊંડે ઊંડે ઊતરવાની વાત સાંભળશે, ત્યારે અહીંથી જ કદાચ પાછો ફરી જશે, મારા કાકાએ ખૂબ સાચવીને વાત ઉચ્ચારી, જવાબમાં હેન્સે ફક્ત 'ઠીક' એમ જ કહ્યું, તેને આ વાતની જાણે કંઈ નવાઈ જ ન લાગી, તે તો જાણે મારા કાકા સાથે સ્વર્ગમાં કે નરકમાં ગમે ત્યાં જવા તૈયાર જ હતો ! મારો હવે કંઈ ઉપાય જ ન હતો, જે કાંઈ થઈ શકત તે હેમ્બર્ગ સુધીમાં થઈ શકત. પણ હજુ યે આ જીવલેણ
મુસાફરી અટકી શકે તો સારું એવી એક ઇરછા ઊંડે ઊંડે મારા મનમાં રહેતી હતી, પરંતુ મારા કાકા સાથે દલીલો કરવા અગાઉ મેં મારા મન સાથે જ દલીલો કરવા માંડી “આપણે આ સ્નેફેલ પર્વતના પેટાળમાં જવાનું છે. આપણી પહેલાં પણ કોઈ ત્યાં જઈ આવ્યો હશે, અને જીવતો પાછો પણ આવ્યો હશે. ઠીક, પેલા ગાંડા સેક્સુસમે કંઈક લખી માર્યું તેના આધારે જ આપણે તો આ ભયંકર માર્ગે પૃથ્વીની અંદર ઊતરવાનું અને રસ્તો ખોળતા ખોળતા પૃથ્વીના મધ્યબિંદુવાળા ભાગ ઉપર પહોંચવાનું છે ! ને ધારો કે આપણે ગમે તેમ કરીને તે માર્ગ ખોળી પણ શકીએ પણ આ પર્વત જ મૂળ તો જ્વાળામુખી છે. એટલે એનો વિશ્વાસ કેમ થાય ? કહે છે કે ૧૨૨૯ની સાલથી આ પર્વત શાંત છે, પણ એનો અર્થ એમ તો નહિ જ કે હવે ફરી તે જાગવાનો નથી. અને જો જાગ્યો તો અંદર આપણી શી દશા ?”
છેલ્લા વિચારે મને થથરાવી મૂક્યો, મને આખી રાત ઊંઘ ન આવી, હું બહુ મૂંઝાયો, આખરે મારાથી ન રહેવાયું. હું મારા કાકા પાસે ગયો અને મનની બધી વાત મેં તેમને કહી નાખી.
“હા, હું એ જ વિચાર કરતો હતો.”
મને મનમાં શાંતિ થઈ.
થોડી મિનિટ શાંત રહ્યા પછી મારા કાકા ફરી બોલ્યા : 'મેં એ બાબતનો વિચાર કર્યો છે; આપણે આંધળા થઈને ન ચાલવું જોઈએ.’
હા હું પણ એમ જ કહું છું.”
‘સ્નેફેલ પર્વત લગભગ ૬૦૦ વરસથી ઊંઘે છે, પરંતુ એ જાગે પણ ખરો. પણ જ્યારે જ્યારે આમ પર્વત ફાટવાનો હોય છે, તે પહેલાં તેનાં ચિહ્નો દેખાવા માંડે છે, અને આવાં ચિહ્નો તરત જ ધ્યાનમાં આવે તેવાં પણ હોય છે. મેં અહીં આસપાસના માણસોને પૂછી જોયું છે, અને આસપાસની જમીનની પણ મેં તપાસ કરી લીધી છે, એટલે હું તને ખાતરી આપું છું કે આ પર્વત જાગવાનો નથી, જો ચાલ, હું તને બતાવું.”
પ્રોફેસર સાહેબ મને ગામની પડખે ખડકો હતા ત્યાં લઈ ગયા. ખડકોની વચ્ચે એક જગ્યાએ ગરમ પાણીનો ઝરો વહેતો હતો, અને તેમાંથી ધુમાડા નીકળતા હતા. મને કહે: “અહીં જો, જ્યારે જ્વાળામુખી પર્વત ફાટવાનો હોય ત્યારે આ ઝરાનું જોર વધવા માંડે છે, પણ અત્યારે તો બધું એમનું એમ જ ચાલે છે.
મારે હવે શું કહેવું ? હવે ફક્ત એક જ ઉપાય હતો : જ્વાળામુખીના ગર્ભમાં ઊતર્યા પછી આગળ વધવાનો રસ્તો જ કોઈ રીતે ન જડે તો અમારી મુસાફરી અટકે !
સવારના નવ વાગ્યા. અમે તૈયાર થઈ ગયા. અમને વળાવવા માટે મુખી તૈયાર ઊભો હતો, સાથે સાથે અમે રાતવાસો રહ્યા અને જમ્યા તેનું બિલ પણ તેના હાથમાં તૈયાર હતું !
મારા કાકાને એ બિલમાં કેટલું વધારે લખ્યું હશે તે જોવાની પરવા અત્યારે ન હતી, બિલ ચૂકવીને અમે સ્ટાપી ગામ છોડ્યું.

ક્રમશ.