પાતાળ પ્રવેશ 
જૂલે વર્ન 

પ્રકરણ_૧૧
સ્નેફેલની ટોચે

સ્નેફૈલ પર્વત પાંચ હજાર ફૂટ ઊંચો છે, બધા પર્વતો કરતાં જુદી ભાત પાડતાં તેનાં શંકુ આકારનાં બે શિખરો અમને તળેટીમાંથી દેખાતાં ન હતાં, ત્યાંથી તો એકલો બરફ જ અમારી નજર ઉપર પડતો હતો. અમે એક એકની હારમાં ચાલવા લાગ્યા. અમારો ભોમિયો સૌથી મોખરે હતો. એવી સાંકડી જગ્યામાંથી અમારે જવું પડતું કે એના પર એકીસાથે બે જણ પસાર થઈ જ ન શકે ! અર્થાત્ અમારે મૂંગા મૂંગા જ ચાલ્યા
કરવાનું હતું. રસ્તા ધીમે ધીમે વધારે ને વધારે ખરાબ આવતો ગયો, અમારું ચડવાનું કામ શરૂ થયું. પથ્થરો ઉપર ધૂળ જાળવી જાળવીને પગ મૂકવો પડતો, કારણ કે પગ નીચેથી પથ્થર ક્યારે ખસી જાય અને અમને સાથે લેતો જાય, એ કહેવાય એમ નહોતું.
હેન્સ તો જાણે સડક ઉપર ચાલતો હોય તેમ શાંતિથી ચાલ્યો જતો હતો. કોઈ કોઈ વાર તે આગળ નીકળી જતો અને દેખાતો પણ બંધ થઈ જતો, અમારે ક્યાં જવું એ ઘડીભર તો સૂઝે જ નહિ. ત્યાં પાછી મોઢાની તીણી સિસોટી અમારા કાન પર પડે, અને અમે તે અવાજને આધારે ચાલ્યા જઈએ. કોઈ કોઈ વાર તે પણ અમારી રાહ જોતો ઊભો રહેતો અને અમને સાથે કરી દેતો. ત્યાં ઊભો ઊભો પણ તે પથ્થરના ઢગલા કરતો જતો હતો, જેથી પાછા ફરતી વખતે અમારે રસ્તો શોધવાની મુશ્કેલી ન પડે. પણ મારે મન તો પાછા ફરવાની જ શંકા હતી !
રણ કલાક સુધી સતત ચડ્યા પછી અમે માંડ પર્વતના પહેલા માળ સુધી પહોંચ્યા. અહીં અમે ઘડીક વિસામો કર્યો અને નાસ્તો પણ કરી લીધો, મારા કાકાએ તો જવાની ઉતાવળમાં મોટા મોટા કોળિયા ભરીને ખાવા માંડ્યું, પણ અમારો ભોમિયો તો પાકા એક કલાકનો વિસામો લીધા પછી ઊભો થયો અમારા મજૂરો પણ મૂંગા મૂંગા ખાઈને હેન્સની સાથે ઊભા થયા,
હવે પર્વતનો ખરો ચઢાવ શરૂ થયો. પાસે પાસે દેખાતું શિખર પણ ખૂબ દૂર થઈ પડતું. ચડવાનો રસ્તો એટલો બધો ફેરમાં લેવો પડતો કે કોઈ કોઈ વાર તો અમે ઊંચે ચડીએ છીએ કે આ પર્વતની પ્રદક્ષિણા જ કરીએ છીએ તેની જ શંકા થઈ પડતી ! એકલા પથ્થર જ અમારા રસ્તામાં હતા. અમારા પગ નીચેથી ખસેલો કોઈ પથ્થર જ્યારે ગબડતો ગબડતો નીચે જ્યાં સુધી જતો દેખાતો, ત્યારે તે જોવામાં ગમ્મત પડતી અને થોડોક આરામ પણ મળતો, કાંઈક કાંઈક એટલો ચઢાવ આવતો કે લગભગ ૩૬ ડિગ્નીનો ખૂણો થતો, અહીં એકબીજાની લાકડી પકડીને અમારે ખૂબ ધીમે ધીમે ચડવું પડતું.
મારા કાકા પણ મારી ખૂબ સંભાળ રાખતા, તે મને નજરથી ઘડી પણ અળગો કરતા ન હતા. ઘણી વાર તો ચડવામાં મને તે જ ટેકો આપતા, અને મને જુવાનને શરમાવતા ! પેલા મજૂરો પણ આટલો બોજો હોવા છતાં ખૂબ ચપળતાથી ચડતા હતા.
સ્નેફેલ તો હજુ જાણે ઊંચો ને ઊંચો જ થતો જતો હતો ! મને થયું કે હવે આ પર્વત ઉપર આગળ ચડી શકાશે જ નહિ, આવો સીધો ચઢાવ ક્યાં સુધી આવ્યા કરશે ' સદ્ભાગ્યે એકાદ કલાક પછી અમને કુદરતી પગથિયાં મળી ગયાં. જ્યારે જ્વાળામુખીમાંથી લાવારસ નીકળે છે, ત્યારે કોઈ કોઈ જગ્યાએ તે આમ પગથિયાંના આકારમાં જ જામી જાય છે, આને લીધે અમને ઠીક રાહત મળી, ચઢાવ વધારે ને વધારે સીધો થતો જતો હતો, પણ આ પગથિયાંએ અમને મદદ કરી, વચ્ચે વચ્ચે હું પાછળ નજર નાખતો તો તળેટીનો ભાગ કૅમેરાના ફોટા જેવડો લાગતો હતો.
સાંજના સાત વાગે અમે ૩૫૦૦ ફૂટ ઊંચે ચડ્યા. જાણે પર્વતે અહીં ખૂંધ કાઢી હોય એવો એ ભાગ હતો, અહીંથી જ પેલું શંકુ આકારનું શિખર શરૂ થતું.
નીચે દૂર દૂર સુધી સમુદ્ર પથરાયેલો પડયો હતો. ભયંકર ઠંડી હતી અને પવન પણ સખત ફૂંકાતો હતો. હું થાકી ગયો હતો; મારા પગ પાછા પડતા હતા, મારા કાકાએ મારી ખાતર અહીં રોકવાનું નક્કી કર્યું અને ભોમિયાને ઊભા રહેવા માટે બૂમ મારી, પણ ભોમિયાએ ત્યાં રોકાવાની ના પાડી, તેણે કહ્યું : 'આમ નીચે નજર કરો, પવનનો વંટોળ ચડવા માંડ્યો છે, અને નાના નાના પથ્થરો, રેતી અને ધૂળ બધું લઈને ધીમે ધીમે ઉપર આવે છે. એ તોફાન આપણી પાસે આવી પહોંચે તે પહેલાં આપણે ઉપર ચડી જવું જોઈએ, નહિ તો આપણે તેમાં સપડાઈ જઈશું.”
મારા કાકા સમજી ગયા, એ તોફાન અમને કઈ રીતે હેરાન કરે તે હું ન સમજી શક્યો, પણ આઈસલૅન્ડના વતની મજૂરો આ વાતથી ભય પામ્યા અને જલદી ઉપર ચડવા માંડ્યા, મારે માટે પણ હવે બીજો ઉપાય ન હતો, ૧૫૦૦ ફૂટ હજુ ઊંચે ચડવાનું હતું. ભોમિયાએ આ વખતે એ શિખરની ફરતી દક્ષિણાના આકારે ચડવાનું શરૂ કર્યું, આમાં અમને તકલીફ ઓછી પડી; પણ બધું મળીને એકંદર લગભગ નવ માઈલ જેટલું અમારે ચાલવું પડ્યું. ભૂખ્યો, તરસ્યો અને થાકેલ પગે આ નવ માઈલ હું કેમ ચડ્યો હોઈશ એ અત્યારે પણ મને ખ્યાલમાં નથી આવતું.
આખરે રાતના અગિયાર વાગે સ્નેફેલની ટોચે અમે પહોંચ્યા. સ્નેફેલના મુખમાં વિસામો લેવા બેસતાં મારી નજર મધ્ય રાનિા સૂર્ય ઉપર પડી, ક્ષિતિજમાં સૂતેલા આઈસલૅન્ડ ઉપર પોતાનાં ઝાંખાં કિરણો નાખતો સૂર્ય પણ જાણે આરામ કરતો હતો.

ક્રમશ.