પાતાળ પ્રવેશ 
 જૂલે વર્ન 
પ્રકરણ_૧૩
૧૦,૦૦૦ ફૂટ ઊંડે

હવે અમારી ખરી મુસાફરી શરૂ થતી હતી. અત્યાર સુધી તો માર રસ્તાવના જ થઈ હતી; અત્યાર સુધી તો મુસાફરીમાં મહેનત જ પડી હતી. હવેની મુસાફરીમાં મુશ્કેલીઓ જ આવવાની હતી, અત્યાર સુધી મેં અમારે જવાના માર્ગની અંદર નજર જ નહોતી કરી, જ્યારે ઊતરવાનો વખત થયો ત્યારે જ મેં અંદર જોયું. જોતાં વાર મને ચક્કર આવી ગયાં !
ભયંકર ઊંડું ભોંયરું, અંદર અંધારું, આમાં કેમ કરીને ઊતરાય ? પણ મારી પડખે જ હૅન્સ અંદર ઊતરવાની તૈયારી કરી રહ્યો હતો, તેને જોઈને મને હિંમત આવી,
મારા કાકાએ ઊતરતાં પહેલાં અમારી સાથેના સામાનના ત્રણ ભાગ કરી નાખ્યા. હેન્સને કોદાળી, તીકમ વગેરે હથિયારો તથા થોડો એક બીજો સામાન સોંપ્યો મને બંદુક વગેરે હથિયારો સોંપ્યાં અને ખાવાનો સામાન તથા નાજુક સાધનો, બેરોમિટર વગેરે મારા કાકાએ પોતે રાખ્યાં. હજુ પણ કપડાં તો રહી જ ગર્યા હતાં. મેં મારા કાકાને પૂછ્યું : “આ કપડાનું પોટકું કોણ ઉપાડશે ?'
એને ઉપાડવું નહિ પડે. એ એની મેળે પહોંચી જશે,'
“એટલે ‘?'
'તું જોજે, હમાં તને સમજાવીશ,
હેન્સે લાંબું દોરડું બહાર કાઢ્યું. બરાબર વચ્ચેથી તેણે મુખ પાસેના પથ્થર સાથે તેના એક-બે આંટા લીધા, અને બાકીના બન્ને છેડા સુધીનો ભાગ નીચે લટકાવી દીધો. હેન્સ સૌથી પહેલાં ઊતરવાનો હતો. ઊતરતાં પહેલાં પેલું લૂગડાંનું પોટલું તેણે અંદર ફેંક્યું. મેં કહ્યું : 'હં, હું ! આ શું કરો છો ?”
એ તો આપણો સામાન આપણી પહેલાં પહોંચવાનો' મારા કાકાએ કહ્યું,
‘અને હવે આપણો વારો,’
અમે સામાન અમારી પીઠ પર બાંધી દીધો અને ઊતરવા માંડ્યા. દોરડું બેવડું કરીને બાંધેલું હતું, હેન્સ એક હાથે દોરડું પકડીને ઊતરતો હતો, બીજા હાથમાં લીધેલા તીકમથી તે પગ ટેકવવા માટે અંદરની ભીંતમાં ખાડા પાડતો જતો હતો. મારા પગ લપસી પડવાની બીકે ખાડામાં સજ્જડ ચોંટી જતા હતા. કોઈ જગ્યાએ ખરાબ ભેખડ આવતી ત્યારે 'ધ્યાન રાખો' એવી સૂચના પણ હેન્સ આપતો જતો હતો,
અરધા કલાકે અમે એક મોટા ખડકની સપાટી ઉપર આવીને અટક્યા. હેન્સે અહીં ઊભા રહીને દોરડાના એક છેડાને ઢીલો મૂકી દીધો અને બીજો છેડો જોરથી ખેંચ્યો, એટલે ઉપરનો બાંધેલો આંટો છૂટી ગયો અને આખું દોરડું નીચે આવ્યું. સાથે સાથે નાના પથ્થરોનો વરસાદ પણ વરસ્યો !
અહીં ઊભાં ઊભાં પણ મેં નજર કરી તો ખાઈનું તળિયું હજુ દેખાતું ન હતું.
અહીં પણ દોરડું પહેલાંની જેમ બાંધી અરધા કલાકમાં બીજા ૨૦૦ ફૂટ અમે નીચે ઊતરી ગયા. રણ કલાક થયા છતાં હજુ તળિયું દેખાતું ન હતું. ધીમે ધીમે અંધારું વધતું જતું હતું, અમે કેટલું નીચે ઊતર્યા હોઈશું તે મેં બહુ સહેલાઈથી ગણી કાઢ્યું. દોરડું ૪૦૦ ફૂટ લાંબું હતું : તે બેવડું કરેલું હોવાથી ૨૦૦ ફૂટ તેનાથી ઊતરી શકાય તેમ હતું.
અત્યાર સુધીમાં અમે ચૌદ વાર દોરડું બદલાવ્યું હતું એટલે કુલ ૨૮૦૦ ફૂટ અમે નીચે ઊતર્યા હતા. અમે એકાએક અટક્યા.
‘આપણે આવી પહોંચ્યા છીએ !’ મારા કાકાએ કહ્યું.
“કાં ?” મેં પૂછ્યું.
"આ કૂવાને તળિયે,"
‘પણ હવે આગળ જવાનો માર્ગ નથી !?' મેં પૂછ્યું.
છે, હમણાં શોધી કાઢીશું. પણ એ માર્ગે સવારે ઊતરશું અત્યારે રાતવાસો અહીં જ કરશું.”
અમે અમારો સામાન છોડ્યો, ભાતું ખાધું અને પછી સૂતા. સૂતાં સૂતાં મેં ઉપર નજર કરી તો એક ૩૦૦ ફૂટ લાંબા દૂરબીનમાંથી જાણે જોતો હોઉં એમ મને લાગ્યું !
હું ઘસઘસાટ ઊંઘી ગયો.
સવાર પડી, અમે જાગ્યા અને ફરતી નજર કરી,
'કેમ એક્ષેલ ? કેમ, નિરાંતે ઊંઘ આવી હતી કે " શહેરની કશી ધમાલ જ નહિ બસ, શાંતિ જ શાંતિ !”
“હા, ખૂબ શાંતિ, ભયંકર શાંતિ !”
“એક્ષેલ ! હજુ તો આપણી મુસાફરી શરૂ પણ નથી થઈ. પૃથ્વીના ગર્ભમાં હજુ એક ઈંચ પણ આપણે ઊતર્યા નથી,”
“શું કહો છો !'
“હું નથી કહેતો, આ બૅરોમિટર કહે છે. આપણે હજુ દરિયાની સપાટીની લગોલગ છીએ.”
મેં બૅરોમિટરમાં જોયું તો પારો ૨૯ ઈંચ હતો.
‘જોયું ? હજુ આપણે એક જ વાતાવરણના દબાણની અંદર છીએ, હું તો કયારનો વાટ જોઉં છું કે આપણે આ બૅરોમિટરને બદલે મૅનોમિટર ક્યારે વાપરવું પડશે!
‘પણ આ હવાનું વધતું જતું દબાણ આપણને હેરાન તો નહિ કરે ?” મેં પૂછ્યું.
'ના, ના, આપણે ધીમે ધીમે ટેવાઈ જઈશું.”
આજ વખતે હેન્સે આંગળી ચીંધીને કાંઈક બતાવ્યું. એ અમારું લૂગડાનું પોટકું હતું!
‘હવે આપણે નાસ્તો કરી લઈએ, ખૂબ પેટ ભરીને ખાઈ લેવું કારણ કે હવે આપણે લાંબી મુસાફરી કરવાની છે.” મારા કાકાએ કહ્યું. મુસાફરી શરૂ કરતાં પહેલાં મારા કાકાએ બધાં યંત્રો જોઈ લીધાં, અને નોંધ લઈ લીધી. એ નોંધ આ માણે હતી-
ઘડિયાળ : ૮ કલાક ૧૭ મિનિટ, સવાર,
બૅરોમિટર : ૨૯ ઈંચ ૭ દોરા.
યરમૉમિટર : ૬ અંશ, “હવે આપણી મુસાફરી શરૂ થાય છે. મારા કાકાએ કહ્યું અને પોતાની પાસેનો વીજળીનો દીવો બહાર કાઢ્યો, આઈસલૅન્ડના આકાશ તરફ છેલ્લી નજર નાખીને અમે ગુફામાં પેઠા, વીજળીના દીવાના કાશમાં ગુફા ઝગમગી ઊઠી હતી. ઈ.સ. ૧૨૨૯માં જયારે આ સ્નેફેલ પર્વત ફાટ્યો ત્યારે લાવારસ આ માર્ગે થઈને બહાર નીકળેલો, એટલે ઘસારાને લીધે આ માર્ગ લીસો અને સુંવાળો થઈ ગયો હતો. અમારે એ માર્ગમાં ખૂબ જાળવવું પડતું. કોઈ કોઈ જગ્યાએ લગભગ ૪૫ અંશનો ઢોળાવ આવતો અને તે પણ લીસો હોય, એટલે લે ઊતરવામાં ખૂબ સાવચેત રહેવું પડતું. આસપાસની દીવાલો પણ ખૂબ લીસી અને ચળકતી હતી. કોઈ કોઈ જગ્યાએ લાવારસનો સાવ પાતળો પોપડો જામી રહ્યો હતો, અને તેના ઉપર વીજળીની બત્તીનો રકાશ પડતો ત્યારે જાણે ત્યાં હીરામાણેક જડ્યા હોય એવો દેખાવ થતો હતો ! જાણે પાતાળમાં રહેતા કોઈ ભૂતે અમારા સ્વાગત માટે આ બધું શણગારી રાખ્યું હોય એમ લાગતું હતું !
‘આ દેખાવ અદ્ભુત છે !” મારાથી બોલી જવાયું.
‘હું ! હવે તું ઠેકાણે આવ્યો, અરે, આ તો કંઈ જ નથી આથી વધારે ચમત્કારિક દેખાવો તો હજી હવે આપણી નજરે પડવાના છે.’
અમે ચાલતા ન હતા, પણ લપસતા હતા એમ કહેવું જોઈએ, ફક્ત વધારે પડતું લપસી ન જવાય એટલી અમારે કાળજી રાખવાની હતી, અમે બરાબર નૈઋત્ય દિશા તરફ ચાલ્યા જતા હતા. થરમૉમિટરમાં પારો ૧૦ અંશ ચડ્યો હતો, બે કલાકમાં ચાર જ અંશ વધારે ચડ્યો હતો.
રાતના આઠ વાગ્યાને આશરે મારા કાકાએ કૂચ અટકાવી, અમે એક મોટી ગુફામાં આવી પહોંચ્યા હતા, અહીં હવા પુષ્કળ હતી, એટલું જ નહિ, પણ કોઈ કોઈવાર તો પવનના હિલોળા આવતા હતા. એ કર્યાંથી આવતા હતા તે તો હું કહી શકતો નથી, હેન્સે ખાવાની તૈયારી કરી, અને અમે બધાએ ધરાઈને વાળું કર્યું. અહીં એક વાતની ચિંતા હતી, અમારી સાથેનું પાણી અરધું ખલાસ થઈ ગયું હતું, અને અહીં હજુ સુધી અમે કયાંયે પાણી નહોતું જોયું. મેં મારા કાકાનું આ વાત ઉપર ધ્યાન ખેંચ્યું.
‘પાણી નથી તેની તને નવાઈ લાગે છે ?'
“નવાઈ નહિ, પણ જરા ચિંતા થાય છે.”
“પુષ્કળ પાણી મળી રહેશે.’
‘ક્યારે ?'
“આપણે આ લાવારસના પડોવાળા ભાગને વટાવીને નીકળશે ત્યારે; અહીં આવાં પડોમાંથી તો પાણી કઈ રીતે ઝરે ?”
“પણ આવું લાવારસનું પડ તો ક્યાંય સુધી આવ્યા જ કરશે તો ??
“પણ એમ શા ઉપરથી માનવું ?”
‘કારણ કે હજુ આપણે બહુ ઊંડા ઊતર્યા નથી. જો ઊંડા ઊતર્યા હોઈએ તો ગરમી પણ વધતી જાય ને ?'
“એ તો તારા મત પ્રમાણે મારા મત પ્રમાણે નહિ. જો થરમૉમિટરમાં કેટલી ડિગ્રી છે ?'

ક્રમશ.