ખોવાયેલાઓ_ની_ખોજ_માં
ખોવાયેલાઓ_ની_ખોજ_માં
પ્રકરણ_૧
હેમરહેડ શાર્ક
ઈ.સ. ૧૮૬૪ના જુલાઈ માસની તારીખ ૨૬મીનો દિવસ હતો. સવારનો સમય હતો. એક પણ વાદળી વિનાના ભૂરા આકાશમાં સૂરજ ધીમે ધીમે ઉપર ચઢી રહ્યો હતો. એવા સમયે ગ્રેટ બ્રિટનના ઉત્તરી ભાગ સ્કોટલૅન્ડના પશ્ચિમ કિનારે આવેલી નૉર્થ ચૅનલના પાણીમાં એક વૈભવી વિહારનૌકા, ઉત્તરપૂર્વ તરફથી વાઈ રહેલા જોરદાર પવનની સાથે પૂરઝડપે ખાડીની બહારની દિશામાં ધસી રહી હતી.
બ્રિટિશ સામ્રાજ્યનો ગર્વિલો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નૌકાના પાછલા કૂવાસ્થંભ ઉપર પવનમાં ફરફરી રહ્યો હતો. એના મુખ્ય કૂવાસ્તંભ ઉપર ભૂરા રંગનો બીજો એક ધ્વજ પણ હતો. એના મધ્યભાગમાં આવેલા વર્તુળમાં સુવર્ણાક્ષરે ઈ.જી. શબ્દો લખાયેલા હતા.
એ હતી ‘ડંકન’ નામધારી વિહારનૌકા. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના ઉપલા ગૃહ તરીકે ઓળખાતા હાઉસ ઑફ લૉર્ડ્સના માનનીય સભાસદ લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વનની માલિકીની એ નૌકા હતી. પોતાના પ્રદેશ સ્કોટલૅન્ડના પ્રતિનિધિ તરીકે એ સમયે સોળ જેટલા ઉમરાવો પાર્લામેન્ટમાં બિરાજમાન હતા. લૉર્ડ ગ્લેનાર્વન એઓ પૈકીના એક હતા. બ્રિટનની પ્રખ્યાત રૉયલ થેમ્સ યાટ ક્લબના તેઓ એક સન્માનનીય અને સક્રિય સભાસદ હતા.
મહાશય લૉર્ડ ગ્લેનાર્વન પોતાની પત્ની લેડી હેલીના તથા પિતરાઈભાઈ મેજર નેબ્સની સાથે આ નવી જ બંધાયેલી નૌકાની પ્રથમ પરીક્ષણયાત્રામાં ઉત્સાહભેર જોડાયાં હતાં. એમની ઊંચી રસવૃત્તિ અને શોખને અનુરૂપ, એમની સૂચના અને વ્યક્તિગત દેખરેખર નીચે જ આ નૌકાનું બાંધકામ સ્થાનિક જહાજવાડામાં થયું હતું. ગ્લાસગો બંદર નજીકના આ જળવિસ્તારમાં એનાં તમામ સંયંત્રોની ચકાસણી અને અજમાયશ કરવાનો આ ટૂંકી સફરનો હેતુ હતો. અહીંથી આગળ પશ્ચિમમાં ફર્થ ઑફ ક્લાઇડ નામે ઓળખાતી પહોળી ખાડીનો વિસ્તાર શરૂ થતો હતો. તેને વટાવીને આગળ વધુ પશ્ચિમમાં આટલાન્ટિક મહાસાગરમાં જવાનો એના માલિકનો ઇરાદો ન હતો.
પશ્ચિમના એ જળવિસ્તારમાં દૂર દૂર આરોન નામનો મોટો દરિયાઈ ટાપુ જોઈ શકાતો હતો. ચૅનલમાં વધુ આગળ વધવાને બદલે પાછા વળવા માટે નૌકાને એ પહોળી ખાડીમાં મોટો વળાંક આપવામાં આવ્યો. નૌકા હવે એ જ ગતિથી ઘર તરફ દોડવા લાગી. બરાબર એ જ વખતે કૂવાસ્થંભ ઉપરના નિરીક્ષણકક્ષમાં ઊભેલા નાવિકનો પોકાર સૌને સંભળાયો. નૌકાની નજીકમાં જ કોઈ વિચિત્ર જળચર દેખાતું હોવાની એ માહિતી હતી.
પોતાની કૅબિનમાં કાર્યરત લૉર્ડ ગ્લેનાર્વનને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા. પિતરાઈભાઈ મેક નેબ્સને સાથે લઈ તેઓ તરત જ બહાર આવ્યા. નૌકાથી સમાંતરે રહીને થોડે દૂર તરી રહેલાં એ નવતર પ્રાણીને સૌ જોઈ રહ્યાં. નદીના મુખ આગળ બંદરની સાવ નજીકમાં એટલું મોટું અને એવું પ્રાણી ભાગ્યે જ જોવા મળતું.
બાજુમાં જ નૌકાનો કઠેરો પકડીને ઊભેલા કપ્તાન જ્હૉન મેંગલ્સ તરફ જોઈને ગ્લેનાર્વને એની માહિતી માંગી. થોડો વિચાર કરીને કૅપ્ટને જવાબ આપ્યો,
‘આપ નામદાર મને પૂછો જ છો, તો જણાવીશ કે શાર્ક નામનું એ જળચર પ્રાણી છે. પૂરો વિકાસ પામેલું આ જળચર મારે મતે શાર્ક જ છે.’
‘શાર્ક? અને તે અહીં? મધદરિયે વિહરનારું આ જળચર અહીં કાંઠા નજીકના છીછરા પાણીમાં?’ લૉર્ડ ગ્લેનાર્વને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ જ નથી.’ કપ્તાને અદબ સાથે જવાબ આપ્યો, ‘આપને જણાવવાની રજા લઉં છું કે આ પ્રકારનાં જળચરો દુનિયાભરના મહાસાગરોમાં તમામ અક્ષાંશ અને રેખાંશો ઉપર જોવા મળી શકે છે. મારી જાણકારી પ્રમાણે શાર્કની આ પ્રજાતિને ‘બૅલન્સ ફીશ’ અથવા ‘હેમર હેડેડ’ શાર્કના નામે ઓળખવામાં આવે છે.
આપને વાંધો ન હોય, અને લેડી હેલીના મૅડમને જોવામાં રસ હોય તો એને પકડવા પ્રયત્ન કરીએ. એને પકડ્યા પછી જ જાણી શકાશે કે એ જળચર ચોક્કસ કયા પ્રકારનું પ્રાણી છે.’ ‘મેજર નેબ્સ!’ બાજુમાં જ ઊભેલા પોતાના પિતરાઈ ભાઈ તરફ જોઈને તેની ઇચ્છા જાણવા લૉર્ડ ગ્લેનાર્વને પૂછ્યું, ‘શું લાગે છે તને? પકડીશું એ જળચરને?’
એમાં પૂછવાનું હોય જ નહીં. નૌકાની અજમાયશી યાત્રા ભેગી આ તક ભલેને
સાહસયાત્રા પણ બની જાય.’ મેજરે ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો.
‘આ વિસ્તારમાંથી આ પ્રકારનાં ભયજનક જળચરો જેટલાં ઓછાં થાય તેટલું સારું રહેશે. આપણો આ સાગરકાંઠો એટલો વધુ સલામત બનશે.' કૅપ્ટન મેંગલ્સે પણ હળવા શબ્દોમાં માલિકની ઇચ્છામાં પોતાનો સૂર પુરાવ્યો. વધુમાં બોલ્યો, ‘એને આપણે પકડીશું જ. નૌકા ઉપરની આપણી એકધારી બીબાંઢાળ જિંદગીમાં થોડીક પણ નવીનતા આવતી હોય તો એમાં ખોટું પણ શું છે?’
‘ઠીક છે બધાંની મરજી હોય તો થઈ જવા દો, એ નવીનતા પણ.' લેડી હેલીના પણ પોતાના પતિની ઇચ્છામાં જોડાયાં. એને પણ આ પ્રકારની દરિયાઈ રમતમાં રસ પડ્યો. બહારના સાગરી વિસ્તારમાં સતત ચાલતી રહેલી ઊથલપાથલની સરખામણીમાં અંદરનો આ જળવિસ્તાર પ્રમાણમાં શાંત હતો. શાર્કની પ્રત્યેક હિલચાલ નૌકાના તૂતક ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.
નાવિકોને જરૂરી સૂચના મળી ગઈ. શાર્કને પકડવા માટેની કામગીરી તરત જ શરૂ થઈ. ગલ કહેવાતી લોખંડની આંકડી ઉપર માંસના ટુકડાઓનો થપ્પો લગાડવામાં આવ્યો. ગલને મજબૂત દોરડાંથી બાંધીને બોયાં સાથે પાણીમાં દૂર ફેંકવામાં આવી.
શાર્ક હજી પણ દૂર રહીને નૌકા સાથે સરખું અંતર રાખીને તરી રહી હતી, પરંતુ માંસના ટુકડાની તીવ્ર ગંધ એની ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી ગઈ. એનું હેમરહેડ મસ્તક એ ટુકડા તરફ વળ્યું. પાણી ઉપર તરી રહેલા ખોરાક જેવા પદાર્થની એની ઝીણી આંખોએ નોંધ લીધી અને એ સાથે જ શરૂ થઈ મોત તરફની એની આંધળી દોટ. ધીમે ધીમે એની ઝડપ વધતી ગઈ. એની બંને બાજુનાં પાંખિયાંઓ પાણીની હળવી લહેરો ઉપર અથડાવા લાગ્યાં. તેનો અવાજ વધુ ને વધુ નૌકાની નજીક આવી રહ્યો. ઝડપ વધારવા અવારનવાર તે પોતાની પહોળી અને ભારેખમ પૂંછડીની થપાટો પાણી ઉપર મારવા લાગી. એના મોટા માથા નીચેના શરીરના ભાગમાં ઉપર ઊપસી આવેલી ઝીણી લાલ આંખોમાં માંસના ટુકડાને હડપ કરી જવાની તાલાવેલી તરવરવા લાગી. મારણને ઝડપી લેવા ખુલ્લાં થયેલા એના જડબામાં અણિયાળા દાંતોની ચાર જેટલી હાર નૌકા ઉપરથી સ્પષ્ટ રીતે દેખાવા લાગી. તીવ્ર ઝડપ સાથેનો એનો આ ધસારો ભયજનક હતો. છતાં તૂતક ઉપરના સલામત સ્થળેથી કુતૂહલવશ બનીને સૌ એને માણી રહ્યાં. મારણની સાવ નજીક આવી જતાં શાર્કની ઝડપ એકદમ વધી ગઈ. ભારેખમ દેખાતું એનું માથું, હથોડાના બંને બાજુના ભાગ જેવું સપાટ હતું. કૅપ્ટન મેંગલ્સની ધારણા સાચી હતી. બંને બાજુએ જળવાતા સમતુલનને કારણે એને બૅલેન્સ-ફીશ તરીકે પણ ઓળખવામાં આવી હશે. જળચરોની શાર્ક જાતિની આ પ્રજાતિ સૌથી ભયંકર અને ઘાતકી ગણાતી હતી.
તૂતક ઉપર ઊભેલાં સૌ કોઈ, સાક્ષાત મોતની દિશામાં ધસી રહેલા એ શિકારીના રૌદ્ર છતાં રમ્ય દેખાતા સ્વરુપને અવાક્ બનીને જોઈ રહ્યાં. શિકારની સાવ નજીક આવતાં એના શરીરને એક ઝાટકો દેવાયો, સાથે જ એના ખુલ્લા મોંમાં માંસનો એ ટુકડો અદૃશ્ય બન્યો. તેની સાથે બંધાયેલી લોખંડની પેલી અણિયાળી આંકડી પણ એના સર્વભક્ષી પેટમાં ઊતરી ગઈ. ઊંડે સુધી પહોંચી ગયેલી એ આંકડી જઠરના કોઈક ભાગમાં ભેરવાઈ ગઈ. એની સાથે મોત સામેના એના ધમપછાડા શરૂ થયા. હૂક સાથે બંધાયેલી મજબૂત દોરી વડે જોડાયેલી શાર્કને નૌકા તરફ ખેંચવામાં આવી. એમાં જરા જેટલી ઢીલ મુકાતાં, બળપૂર્વક એ વિરુદ્ધની દિશામાં ભાગવા હવાતિયાં મારવા લાગી. એના છેલ્લા મરણિયા પ્રયાસથી દોરી એકદમ ખેંચાઈ. પળભર તો આખી નૌકા ધ્રૂજી ઊઠી. નૌકા એ દોરીથી ખેંચાઈ રહી હોય તેમ પણ લાગ્યું.
ધમપછાડાનો અંત લાવવા તૂતક ઉપરના નાવિકોએ એ દોરી વિંટવાનો ચાકડો હવે બળપૂર્વક ફેરવવા માંડ્યો. નૌકા અને શાર્ક વચ્ચેનું અંતર ધીમેધીમે ઘટવા લાગ્યું. ઉપરની ખેંચ વધતાં શાર્કના ધમપછાડા પણ વધી ગયા. ઘડીમાં પાણી નીચે તો ઘડીમાં સપાટી ઉપર આવવા લાગી. જોરદાર પૂંછડીનાં વિશાળ પાંખિયાંની થપાટોથી પાણી ઊંચે સુધી ઊછળવા લાગ્યું. જીવન અને મૃત્યુ વચ્ચેનો એ ખૂનખાર જંગ હતો, છતાં એની હાર નિશ્ચિત હતી.
આ પ્રકારના શિકારથી ટેવાયેલા નાવિકોએ બીજાં દોરડાંનો ગાળિયો તૈયાર કર્યો. નૌકાની સાવ નજીક આવેલા શિકારની હજી પણ ફડફડાટ કરી રહેલી પૂંછ તરફ ઘા કરીને એ ગાળિયાને તેની ઉપર ભરાવી દીધો. બંને બાજુનું દોરડું ખેંચીને એ ગાળિયાની પકડને મજબૂત કરવામાં આવી. જોરદાર પૂંછના સહારે તરફડાટ કરી રહેલી શાર્ક હવે નિઃસહાય બની ગઈ. લગભગ અચેતન બની ગયેલા એ દરિયાઈ રાક્ષસને ઊંટડાની મદદથી ઊંચકીને તૂતક ઉપર લેવામાં આવ્યો.
હજી એના શ્વાસ ચાલુ હતા. એવી સ્થિતિમાં એની પૂછની પકડ ઢીલી પડે તો હજી પણ નાવિકને મરણતોલ ફટકો મારી શકે એ સ્થિતિ નાવિકો જાણતા હતા. સાવચેતી તરીકે એક નાવિકે પહોળા પાનાનો ખાસ કુહાડો હાથમાં લીધો અને પૂછના સાંકડા ભાગ ઉપર એનાથી જોરદાર ઘા કર્યો. છૂટી પડેલી એ પૂછ થોડી પળો માટે તરફડીને આખરે શાંત થઈ ગઈ.
શાર્કમાં હજી જીવ હોય તેવું થોડા સમય માટે સૌએ અનુભવ્યું. મોતમાં પણ ભય પમાડે એવું એ જળચર આખરે પૂરેપૂરી રીતે શાંત બની ગયું. એના તરફનો હવે કોઈ જ ભય રહ્યો ન હતો.
કેવળ મનોરંજન ખાતર જ એનો શિકાર થયો હતો. એનો રોમાંચ હવે પૂરો થયો, પરંતુ આવું મોટું જળચર પ્રાણી કાંઠાના આ છીછરા પાણીમાં કેવી રીતે અને ક્યાંથી આવ્યું તે જાણવા માટેનું કુતૂહલ હજી અકબંધ હતું. અનુભવી નાવિકો જાણતા જ હોય છે કે શાર્ક અતિશય અકરાંતિયો જીવ હોય છે. ખોરાક તરીકે જણાતી કોઈ પણ ચીજવસ્તુ એના સર્વગ્રાહી ઉદરમાં ઓહિયાં થતી જ રહેતી હોય છે. એમાંની અપાચ્ય વસ્તુઓ એની હોજરીના એકાદ ભાગમાં ચોંટી જઈને, માંસમાં ઢંકાઈ જતી હોય છે. એ જોવા અને જાણવા માટે શિકાર બાદ શાર્કના પેટને તરત જ ચીરી નાખવાનો સામાન્ય શિરસ્તો હોય છે.
મહાસાગરો ખૂંદતી શાર્ક કુદરતનું એક અનન્ય સર્જન ગણી શકાય. સલામત સ્થાનેથી એની જળક્રીડા તથા પ્રવૃત્તિઓ તેમ જ મોત સામેનો એનો સંઘર્ષ જરૂર રસપ્રદ લાગે. પરંતુ બંને બાજુથી એનું પેટ ચીરી નાખવાની અને તેના માંસમાં દબાઈ ગયેલી ચીજવસ્તુઓ માટે ખાંખાંખોળા કરવાની પ્રક્રિયા અત્યંત જુગુપ્સાકારક હોય છે. લેડી હેલીના જેવી નાજુક રમણી માટે એવી ગતિવિધિ સાવ અરુચિકર અને અસહ્ય બને તેમ હતું. શાર્કના નિર્જીવ શરીરની ફરતે ઊભેલા ઝમેલામાંથી નીકળીને એમણે પોતાની કૅબિનમાં જવાનું પસંદ કર્યું.
દસ ફૂટ લાંબી એ શાર્કનું વજન છસો પાઉન્ડ જેટલું હશે, એવો અંદાજ ત્યાં વ્યક્ત થયો. એના કદની દૃષ્ટિએ એને પ્રથમ કક્ષામાં મૂકી શકાય તેમ ન હોવા છતાં શાર્કની આ પ્રજાતિ, એની તાકાત અને આક્રમકતાની બાબતમાં ભયાનક અને હોનહાર ગણાતી આવેલી.
એની ઉપરના અને નીચેના ભાગને છૂટા પાડવા માટેની પ્રક્રિયા ધારદાર છરાથી શરૂ થઈ. થોડા જ સમયમાં એની હોજરી ખુલ્લી થઈ ગઈ. માંસના મારણથી ઢંકાયેલી લોખંડની કડી જઠરની દીવાલમાં ખૂંપી ગઈ હતી. એની હોજરી સાવ ખાલી હતી. એ જ કારણે માંસના મારણને ઝડપથી હડપ કરી જવા એણે ધસારો કર્યો હતો, જે આખરે એના મોત માટેનું કારણ પુરવાર થયું હતું. એ ઉપરાંત અન્ય કોઈ વસ્તુ એમાં જણાઈ નહીં. નિરાશ થયેલા નાવિકો શાર્કના શરીરના એ બંને ફાડચાંને ફરીથી દરિયાલાલને હવાલે કરવાની તૈયારી કરતા હતા. એ જ વખતે એક નાવિકનું ધ્યાન હોજરીના ખૂણામાં ઉપસેલા ભાગ તરફ ખેંચાયું. હોજરીની દીવાલ સાથે સખત રીતે ચોંટી રહેલા એ ભાગને કાપીને છૂટો પાડવો પડ્યો. એમાં કોઈ સખત પદાર્થ જણાતાં સૌનું કુતૂહલ વધ્યું. પથ્થર લાગે છે. શિકાર ભેળો એ પથ્થર પણ હોજરીમાં ઊતરી ગયો હશે.' એક નાવિક બોલ્યો.
‘ના જી. આ તો કાચની બૉટલ જણાય છે. અરે! આ તો બૉટલ જ છે.’ માંસના લોચાથી એ સખત પદાર્થને છરાથી અલગ કરતાં નાવિક બોલ્યો, ‘માત્ર બૉટલ! બીજું કાંઈ જ નહીં!!’ ‘સાંભળો ભાઈઓ.’નૌકાના પ્રથમ મદદનીશ અધિકારીએ વ્યંગ કર્યો, ‘આ તો દારૂની બૉટલ જણાય છે. એમાંનો દારૂ પી જવા માટે જ મચ્છ એ બૉટલને પણ ગળી ગયો હશે.’ બે-ત્રણ નાવિકના મુખેથી આ શબ્દો સાંભળીને લૉર્ડ ગ્લેનાર્વન તરત જ બોલી ઊઠ્યા,
‘એ પદાર્થ જો બૉટલ જ હોય તો એને સંભાળપૂર્વક બહાર કાઢો. દરિયામાં તરતી આવી બૉટલોમાં ક્યારેક કોઈ અગત્યનો સંદેશો હોવાની શક્યતા હોય છે. એવી તરતી બૉટલને શિકારયોગ્ય જીવ ગણીને માંસભક્ષી જળચરો તેને ગળી ગયા હોય તેવા બનાવો ઘણી વાર બને છે.' પ્રશ્ન કર્યો.
‘તમને લાગે છે કે આ બૉટલમાં પણ એવો કોઈ સંદેશો હશે?’ મેજરે શંકાશીલ બનીને ‘મને એ અંગે જરાય શંકા નથી. એમાં કાંઈક તો હશે જ.’
‘ના ના! હું એવું નથી કહેતો કે એમાં કાંઈ જ નહીં હોય. એમાં અન્ય પ્રકારના ખાનગી સંદેશા પણ હોઈ શકે.’
‘એ જ તો આપણે શોધવાનું છે.’
દરમિયાન એ બૉટલ ઉપરના માંસના અવશેષોને સાફ કરવામાં આવ્યા. સહાયક અધિકારીએ એવી સાફસુથરી બૉટલને લૉર્ડ ગ્લેનાર્વન અને મેજર નેબ્સ બેઠા હતા, તે ટેબલ ઉપર તેમની સામે મૂકી. સ્ત્રીસહજ કુતૂહલવૃત્તિથી લેડી હેલીના પણ એ બૉટલની અંદર કેદ થયેલા રહસ્યને જાણવા આતુર હતી. તે પણ બાજુમાં જ ગોઠવાઈ.
હશે એ બૉટલમાં? કોઈ ભયાનક દુર્ઘટનાના સમાચાર તો નહીં હોયને? કે પછી કોઈ પ્રેમાસક્ત સામાન્ય નાવિકે એની ફૂરસદની પળોમાં પોતાની પ્રિયતમાને પ્રેમસંદેશો મોકલવા માટે આ રમૂજી નુસખો અપનાવ્યો હશે? એ તો જે હોય તે! રહસ્ય હવે લાંબો સમય છુપાયેલું રહેવાનું ન થતું.
માનવદેહના મૃત્યુના કારણની તપાસ કરવાની હોય, તેવી ઝીણવટભરી નજરે લૉર્ડ ગ્લેનાર્વને સૌપ્રથમ તો એ બૉટલનું બહારથી જ નિરીક્ષણ કર્યું. એની ઉપરના લાંબા સાંકડાં નાળચાં બાદ નીચેનો પેટનો ભાગ પહોળો હતો. એનો કાચ જાડો અને મજબૂત જણાતો હતો. એ જોઈને મેજર નેબ્સ બોલી ઊઠ્યો, ‘અરે! આ તો આપણા ક્લિક્વૉટની દારૂની બૉટલ લાગે છે. એ શૅમ્પેઇનની જ બૉટલ છે.’
મેજરસાહેબની એ વાતનો કોઈએ પ્રતિવાદ કર્યો નહીં. સૈન્યના આ ઉચ્ચ અધિકારીને એ અંગે વધુ જાણકારી હોય એવું બધાનું માનવું હતું, પરંતુ લેડી હેલીનાથી શાંત રહેવાયું નહીં. તે બોલી ઊઠી,
જો તે અહીં ક્યાંથી આવી અને તેમાં કેવો સંદેશો સંતાયેલો છે તે રહસ્ય જાણી શકાય નહીં તો બૉટલ કેવી છે અને શા માટે હતી એ વાતોનું કોઈ મહત્ત્વ નથી.’
‘એ રહસ્ય પણ હવે ખુલ્લું થવામાં જ છે.’
લૉર્ડ ગ્લેનાર્વને પત્નીના પ્રશ્નના જવાબમાં જણાવ્યું, ‘અત્યારે તો આપણે આટલું જ કહી શકીએ કે આ મચ્છના પેટમાં સવાર થઈને બહુ જ લાંબા અંતરેથી એ બૉટલ અહીં આવેલી છે. એની ફરતે માંસનું આવરણ જે રીતે સખત બનેલું છે એને મધદરિયામાં જ ફેંકી દેવાઈ હોય તેમ લાગે છે. જોકે શાર્ક એને ગળી ગઈ તે અગાઉ દરિયાનાં મોજાં ઉપર અહીંતહીં ફંગોળાઈ તો હશે જ.’
‘હું એ વાત સાથે સંમત છું.’ મેજરે જણાવ્યું.
બહુ જ લાંબી મુસાફરી કરીને તે અહીં સુધી આવી હોય તેમ લાગે છે. એના ઉપર ચઢી ગયેલા માંસના સખત આવરણને કારણે જ તેને રક્ષણ મળ્યું હશે.' ‘એ કયા સ્થળેથી આવી તે જાણવામાં મને રસ છે.' લેડી હેલીનાનું કુતૂહલ ચરમસીમાએ
હતું. ‘ધીરજ રાખો, એ રહસ્ય પણ બૉટલ ખૂલતાંની સાથે સ્પષ્ટ થવાનું જ છે.’ લૉર્ડ ગ્લેનાર્વને પત્નીની ઉત્સુકતાને શાંત કરવા મીઠાશથી જણાવ્યું.
બૉટલને ખોલતાં પહેલાં એના બૂચ ઉપરના ક્ષારના પડને સાફ કરાવ્યું. એ આવરણની નીચે ઢંકાયેલા બૂચને ખોલવા મહેનત કરવી પડી. ખૂલતાંની સાથે જ દરિયાઈ ખારાશ અને ભેજવાળી ગંધ કૅબિનમાં પ્રસરી ગઈ.
‘આ કોઈ સુખદ શુકન ગણી શકાય નહીં.’ લૉર્ડ ગ્લેનાર્વને બૉટલની અંદરના ધૂંધળા ભાગ તરફ જોયું અને બોલ્યા, ‘એમાં જો કોઈ કાગળ હશે તો આ ક્ષારવાળા ભેજની એના ઉપર વિપરીત અસર પડી જ હશે. જોકે અત્યાર સુધી એ બૉટલ ખુલ્લા દરિયામાં જ રહી હોત તો ક્યારનીય ડૂબી ગઈ હોત.’
‘એમાંના કાગળ અને તેના ઉપરનું લખાણ જો સુરક્ષિત હશે તો એમાં અક્ષાંશ અને રેખાંશના નંબર હશે જ. તેને આધારે એ ક્યાંથી આવી તે જાણી શકાશે. દરિયાઈ પવનો તથા જળપ્રવાહોની પણ એની ગતિની દિશા ઉપર અસર પડતી હોય છે, પરંતુ શાર્કના પેટમાં આરૂઢ થઈને અહીં આવેલી આ બૉટલ માટે એવું કોઈ જ અનુમાન થઈ શકે નહીં. શાર્કની ગતિ અકળ હોય છે. એને આધારે કોઈ જ નિર્ણય લઈ શકાય નહીં.’
‘શું છે બૉટલની અંદર?’ લેડી હેલીનાની ઇન્તેજારી વધી ગઈ હતી.
‘અંદર કાગળના ટુકડા લાગે છે. કેટલાક તો બૉટલના કાચ સાથે ચોંટી ગયા જણાય છે. ક્ષારયુક્ત ભેજથી સડી ગયેલા એ ટુકડાને બૉટલના સાંકડા મોંમાંથી બહાર કાઢવાનું મુશ્કેલ છે.’ મેજરની નજર પણ બૉટલની અંદર જ હતી.
‘બૉટલને તોડવી પડશે. કાગળને વધુ નુકસાન પહોંચાડ્યા વિના બહાર કાઢવાનો એ જ એક ઉપાય છે.’
‘મારું ચાલે તો આ અજનબી બૉટલને સંગ્રહસ્થાનમાં રાખવાનું પસંદ કરું.’ મેજર નેબ્સે જણાવ્યું. “મને ખાતરી જ હતી, મિ. નેબ્સ કે તમે એવું જ વિચારશો.' લેડી હેલીનાએ મેજરના
વક્તવ્ય માટે ઉપાલંભ આપ્યો.
‘પરંતુ આ બૉટલ નહીં, એમાંના સંદેશાનું મહત્ત્વ છે.’ બૉટલને તોડવાનો નિર્ણય થતાં જ સાવચેતીપૂર્વક તેની ઉપર હથોડીના ઘા થવા લાગ્યા. બૉટલ આખરે તૂટી ગઈ. કાગળોનો કેટલોક ભાગ કાચની દીવાલ પર ચોંટી ગયેલો જણાયો. લૉર્ડ ગ્લેનાર્વને સાવચેતીથી તેને છૂટા પાડ્યા. એની ઉપર લખાણ હતું અને તે એકથી વધુ ભાષામાં હતું. વાંચી શકાય તે માટે ટેબલ ઉપર વ્યવસ્થિત રીતે એ ટુકડાઓને ગોઠવવામાં આવ્યા.
ક્રમશ.
___________________________________
(૧) હેમરહેડ શાર્ક: ગુજરાતીમાં એને કાનામૂશી નામથી ઓળખવામાં આવે છે.
Post a Comment
0 Comments