ખોવાયેલાઓ ની ખોજ માં
ખોવાયેલાઓ_ની_ખોજ_માં.
પ્રસ્તાવના
વળી પાછી પૃથ્વીની એક વધુ પ્રદક્ષિણા જૂલે વર્ન જેવા કસાયેલા લેખકની કલમે આપણને સાંપડી છે.
સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં સંપન્ન થયેલી આ કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે. ‘એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’ની કથા તો સ્પષ્ટ રીતે પૃથ્વીની પરિકમ્મા જ હતી. એ કથાનો નાયક ફિલિયાસ ફોગ એની ક્લબના મિત્રો સાથે ગમ્મતમાં થયેલી શરતને આધારે માત્ર એંશી દિવસમાં જ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને સ્વસ્થાને આવી રહેવા નીકળી પડે છે. લંડનથી લંડન વાયા યુરોપ, હિન્દુસ્તાન સહિતના એશિયા અને અમેરિકી સંઘરાજ્યની મુસાફરીના એકમાત્ર ધ્યેય સાથેની આ કથા છે.
ફોગે રાખેલી નોંધ પ્રમાણે દેખીતી રીતે તે એક દિવસ મોડો હોય છે, પરંતુ વિજ્ઞાનની ચમત્કૃતિને કારણે સો ટકા હારની બાજી સંપૂર્ણ સફલતામાં પરિણમે છે. એની એ સફળતાની કલગી હોય તે રીતે બુંદેલખંડની વિધવા રાજરાણીને પ્રેમપૂર્વક પરણી શકે છે.
‘ખોવાયેલાની ખોજ’નો કથાનાયક લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વન જુદા જ હેતુ માટે દરિયાઈ સફરે નીકળે છે. શાર્કના શિકાર દરમિયાન એના પેટમાંથી નીકળેલી કાચની બૉટલમાંના અસ્પષ્ટ અને ચૂંથાઈ ગયેલા દરિયાઈ સંદેશમાં મદદની માગણી થઈ હતી. એના જ દેશનો કૅપ્ટન ગ્રાન્ટ પોતાના સ્કોટીશ દેશવાસીઓ માટે સંસ્થાન સ્થાપવા યોગ્ય પ્રદેશની શોધમાં નીકળ્યો હતો. દરિયાઈ ઝંઝાવાતમાં ૩૭॰૧૧”ના દક્ષિણ અક્ષાંશ ઉપર એનું “બ્રિટાનિયા" જહાજ નષ્ટ થયું હતું, પરંતુ અકસ્માતનું ચોક્કસ સ્થળ નક્કી કરવા માટે જરૂરી એવી રેખાંશ રેખાનો આંકડો નષ્ટ થઈ ગયો હતો.
પત્રમાંના તૂટક શબ્દોના આધારે કરી શકાયેલા અર્થઘટન પ્રમાણે જ એ સ્થળની શોધ કરવાની હતી. અને એ અક્ષાંશ ઉપરના કોઈ પ્રદેશના આદિવાસીઓ વચ્ચે ફસાયેલા પોતાના દેશવાસીને બચાવવાનો હતો.
જે તે સમયે સો ટકા સાચાં જણાયેલાં અર્થઘટનોને આધારે લૉર્ડ ગ્લેનાર્વનની શોધયાત્રા અને સાથે સાથે કથાયાત્રા આગળ વધતી રહે છે.
આજથી દોઢસો વર્ષ પૂર્વેની એ દુનિયા છે. એ સમયને પાછળ છોડીને માનવજાતે અકલ્પનીય પ્રગતિ કરી છે, છતાં પ્રાથમિક દશાની એ દુનિયા પણ અદ્ભુત અને રસપ્રદ હતી. એવી એ દુનિયાના દેશોને પોતાની સરહદો હતી, છતાં એની આરપારની યાત્રાઓ માટે કોઈ બંધનો ન હતાં. કોઈ પણ દેશમાં પ્રવેશ કે તેમાંથી પ્રયાણ આડે વિઝાની કોઈ પળોજણ ન હતી. વિવિધ પ્રકારના અનેક દેશો, તેની ભિન્ન પ્રકારની પ્રજાઓ ઉપરાંત તેની વૈવિધ્યસભર સંસ્કૃતિઓ અને સંસ્કારિતાઓ હોવા છતાં આવાગમન કેટલું સરળ હતું તેનું આપણને આશ્ચર્ય થાય છે.
‘ખોવાયેલાની ખોજ’ કથાનાં મુખ્ય પાત્રો કોઈ મૃગજળની પાછળ દોડતાં હોય તે રીતે કૅપ્ટન ગ્રાન્ટની ખોજમાં ૩૭ ૧૧” અક્ષાંશની સમાંતર રેખા ઉપર ત્રણ ખંડોની ધરતી તેમ જ આટલાન્ટિક, પેસિફિક અને હિંદ મહાસાગરોના પાણી ખૂંદી વળે છે. એની સાથે વણાયેલી કથામાં જૂલે વર્ન દક્ષિણ અમેરિકા, દક્ષિણ ઑસ્ટ્રેલિયા તથા ઉત્તર ન્યૂઝીલૅન્ડના વિશિષ્ટ ભૂભાગો, તેની રચના તથા ઇતિહાસ અને લોકજીવનને એક સફળ શિક્ષકની રીતે વાચક સમક્ષ રજૂ કરે છે.
વર્નની દરિયાઈ મૂસાફરીમાં હવામાનનાં ઝંઝાવાતો તો હોય જ, પરંતુ દરેક તોફાનને અંતે તે કથાને કોઈ ચોક્કસ રીતનો વળાંક આપવાનું કામ પણ કરે છે. દક્ષિણ અમેરિકાના ઇન્ડિયન્સ, ઑસ્ટ્રેલિયાના નવવસાહતીઓ તેમ જ ન્યૂઝીલૅન્ડના માનવમાંસભક્ષી માઓરીઓ સાથેનો ભેટો અને તે દરમિયાનના વિષમ અનુભવોમાંથી કથાનાયકોની સાથે સાથે સહૃદયી ભાવકો પણ અનાયાસપણે પસાર થતા હોય છે.
એવું વૈવિધ્યસભર લોકજીવન તેમજ ભૂતળ અને પ્રકૃતિનાં પરિબળોની એની સાથેની રમતના ખેલ પણ એટલા જ રોચક બનેલા છે. દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પર્વતમાળાની હાડ થિજાવી દેતી ઠંડી, તીવ્રતમ ધરતીકંપને કારણે બદલાઈ જતું ભૂપૃષ્ઠ, ગગનવિહારી કોન્ડોર પક્ષીની માનવશિકાર સાથેની ઉડાન તેમ જ પેટાગોનિયાના પંપા પ્રદેશના જળપ્રલય દરમિયાન દિવસો સુધી લંબાયેલો વૃક્ષવાસ - જેવા અનેક પ્રસંગો મુખ્ય કથાપ્રવાહ સાથે અદ્ભુત રીતે વણાયેલા છે, પરંતુ ન્યૂઝીલૅન્ડમાં માઓરીઓની કિલ્લેબંદીમાંથી અને ત્યાર બાદ મંગાનામુની કબરના કેદખાનામાંથી ભાગી છૂટવામાં માનવસહજ શક્તિ અને મર્યાદાને બદલે ચમત્કૃતિ ઉપર વધુ આધાર અપ્રતીતિકર જરૂર લાગે છે.
આ કથાના પાયામાં યુરોપની પ્રજાઓનું સંસ્થાનવાદી માનસ રહેલું છે. કથાના પડદા પાછળના અદૃશ્ય નાયક કૅપ્ટન ગ્રાન્ટના અભિયાન પાછળ પણ એ જ હેતુ હતો. પોતાની પીડિત સ્કોટીશ પ્રજા માટે એક સલામત હોય અને સમૃદ્ધિની ક્ષમતા હોય તેવા નવા સ્કોટલૅન્ડની સ્થાપના માટે યોગ્ય પ્રદેશ કે ટાપુની શોધમાં પોતાનું બ્રિટાનિયા જહાજ લઈને તે નીકળ્યો હતો. ૩૭૧૧” દક્ષિણ અક્ષાંશના કોઈ સ્થળે દરિયાઈ તોફાનમાં એનું જહાજ નષ્ટ થતાં એણે મોકલેલા અસ્પષ્ટ સંદેશાના વિચારબીજમાંથી આ આખી કથાનો આવિર્ભાવ થયો છે.
જૂલે વર્નના સમય સુધીમાં યુરોપના બધા જ મોટા દેશોની પ્રજાઓએ એશિયા, આફ્રિકા અને અમેરિકી મહાખંડના મોટા ભાગના પ્રદેશોમાં પોતપોતાનાં સંસ્થાનો સ્થાપી દીધાં હતાં. સાથે ત્યાંની પ્રજા અને પ્રદેશના અનેકવિધ શોષણની શરૂઆત થઈ હતી. એમાંના કોઈ પણ દેશે આ સંસ્થાનોની સ્થાનિક પ્રજાની ચિંતા કરી ન હતી. સંસ્થાનોની સંપત્તિ અને માનવધનને ભોગે તેમણે પોતાની જ સમૃદ્ધિ વધારી હતી. આફ્રિકાના પ્રદેશોની સ્થાનિક વસ્તીને ગુલામ બનાવી તેનો જ વેપાર કર્યો, જ્યારે અગવડરૂપ બનેલી અમેરિકાની પ્રજાઓનું તો તેમણે નિકંદન જ કાઢી નાખ્યું.
આ કથાનો એક ઉપનાયક જેકીસ ચિરાક પેગેનલ એક વિદ્યાવ્યાસંગી ભૂગોળશાસ્ત્રી છે અને જળયાનોને સંસ્કૃતિના વાહક તરીકે તે બિરદાવે છે. સૈદ્ધાંતિક રીતે એની વાત સાચી હતી, પરંતુ વાસ્તવિકતા જુદી જ હતી. એ જ જળયાનોમાં સવાર થઈ યુરોપની પ્રજાઓએ પોતાની બંદૂકના જોરે પોતાની જ સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મની આ સંસ્થાનોમાં નિકાસ કરી હતી. ભારત અને ચીન જેવા એ સમયના અતિ સમૃદ્ધ દેશો પણ યુરોપની પ્રજાઓને માટે કાચા માલના ઉત્પાદક અને તૈયાર મોંઘાદાટ માલના વેચાણ માટેનાં વિશાળ બજારો જ હતાં. પોતાનાં એ વેપારી હિતો અને તેની રક્ષા માટેનાં રાજકીય હિતોની જાળવણી માટે જ ઓગણસમી સદીનાં પાછલા અર્ધશતકમાં હિન્દુસ્તાનના ખૂણે ખૂણે પહોંચતા હજારો માઈલના રેલમાર્ગો તેમણે બાંધ્યા હતા. યુરોપની પ્રજાઓનું જનમાસન જ સંસ્થાનવાદી બની ગયું હતું એવું ચિત્ર વર્નનાં આ પાત્રોમાંથી પ્રગટ થાય છે. ડેનિયલ ડીફોની સાહસકથાનો નાયક રૉબિન્સન ક્રૂઝો મધ્યપ્રશાંત સાગરના કોઈ એકાકી ટાપુ ઉપર પોતાનું કેવળ એક વ્યક્તિનું સંસ્થાન સ્થાપે છે અને તે આ કથાના ઉપનાયક પેગેનલનો આદર્શ હોવાની રજૂઆત થાય છે. એ પોતે પણ એવું જ સંસ્થાન સ્થાપવાનાં સ્વપ્નો સેવે છે. જોકે ઑસ્ટ્રેલિયામાં પૂર્વથી પશ્ચિમની પૂરી લંબાઈનો રેલમાર્ગ બાંધવા પાછળનું અર્થકારણ એને સમજાતું ન હતું. તેમ જ ત્યાંના આદિવાસી બાળકોને ખ્રિસ્તી ધર્મ બ્રિટિશશાસનની સર્વવ્યાપકતાના એકપક્ષી ખ્યાલોનું જે ખોટું શિક્ષણ અપાતું હતું, તેની ઉપરાંત સામે તે આક્રોશ પણ વ્યક્ત કરે છે.
વર્નની કથાઓમાં પ્રવાસ છે, સાહસ છે, ઇતિહાસ અને ભૂગોળ પણ છે. એમાં વિજ્ઞાન છવાયેલું જ રહે છે, પરંતુ હાસ્યરસને એમાં ભાગ્યે જ સ્થાન મળ્યું છે. અગ્નિરથ, મિખાઈલ સ્ટ્રગોવ, તરતું મહાનગર કે લાઇટ હાઉસ જેવી કથાઓમાં મોકળા મનનું હાસ્ય તો ઠીક, સ્મિતની લહેરખીનો પણ ભાગ્યે જ અનુભવ થાય છે. એ બધાની સરખામણીમાં ‘ખોવાયેલાની ખોજમાં’ની આ કથામાં ફ્રેન્ચ ભૂગોળશાસ્ત્રી પેગેનલના અનેકાનેક છબરડાઓ મુસાફરીના અન્ય સાથીઓ માટે ઠીકઠીક મનોરંજન પૂરું પાડે છે.
બે મહાખંડો અને એક ટચૂકડા દેશની ધરતી અને લોકજીવનને આવરી લેતી અને ત્રણ ભાગમાં લખાયેલી આ કથાનું ફલક અતિવિસ્તિર્ણ બની ગયું છે. એનો કથાપ્રવાહ આ ત્રણે ભિન્ન ભિન્ન પ્રાદેશિક ભૂરચના અને ભિન્ન સંસ્કારિતામાંથી પસાર થાય છે. એ રીતે એ દરેક ભાગ એક એક સ્વતંત્ર કથા જેવો જ છે. તેમ છતાં એક જ કેન્દ્રિય કથાબીજની આસપાસ વણાયેલી અને દરેક ભાગમાં એનાં પ્રધાનપાત્રોની અસરકારક ભૂમિકાવાળી આ કથાની અલગ વિભાગોમાં કલ્પના કરવાનું પણ ઉચિત લાગ્યું નથી. એમાં પ્રથમ ભાગની કથાવસ્તુ સાથે બીજો ભાગ અભિન્ન રીતે જોડાયેલો છે અને ત્રીજા ભાગ માટે પણ એવી જ સ્થિતિ છે. એવા સંજોગોમાં કદ અને કિંમત ઘટાડવાના હેતુથી ત્રણ ભાગનું અલગ પ્રકાશન સમગ્ર કથાના સાહજિક પ્રવાહ માટે હાનિકારક બને તેમ મને લાગ્યું છે, પરંતુ ૪૦૦થી વધુ પાનાં ઉપર વિસ્તરેલું એનું કદ અને તે પ્રમાણેની કિંમત પ્રકાશક માટે ચિંતાનો વિષય બની શકે તેમ લાગે છે.
એવી સ્થિતિ છતાં કહી શકાય કે જૂલે વર્નનો ભાવકવર્ગ એક પ્રકારની વિશિષ્ટ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓનો બનેલો છે. એને વિજ્ઞાનની વાતોમાં રસ છે સાથે દુનિયાની ભૂગોળ અને ઇતિહાસ અંગેની પાયાની જાણકારી છે. એ ઉપરાંત સૂર્યમાળા સમેતના સમગ્ર બ્રહ્માંડ સંબંધી નવું નવું જાણવાની ઉત્કંઠા છે. એ તમામની આસપાસ વણાયેલી વર્નની કથાઓને જાણવા અને માણવા માટેની વિશેષ સજ્જતા ધરાવે છે. એવા ભાવકો માટે જૂલે વર્નની આ પ્રકારની કૃતિના દળ કે દામનું ઝાઝું મહત્ત્વ નથી હોતું.
જૂલે વર્નની અગાઉની તમામ કૃતિઓની જેમ જ આ કથાના ગુજરાતી સંસ્કરણમાં પણ મારાં આપ્તજનો સંદીપ અને શેફાલી, અપૂર્વ અને વર્ષા તથા સાધના અને ભૂપેન્દ્રકુમારનું યત્કિંચિત યોગદાન રહ્યું છે. એ સૌ તરફના સહકારને આ સ્થળે યાદ કરીને તે માટે કૃતકૃત્યતા વ્યક્ત કરવાનું જરૂરી ગણું છું.
અને જીવનના સાથી-વિશેષ શ્રીમતી સુમતિબહેનના સાથ અને સહકાર વિના આવું મહાભારત કાર્ય સંપન્ન કરવાનું અશક્ય જ ગણું છું. આ કથાના પ્રકાશનમાં આર. આર. પ્રકાશનગૃહના સર્વસર્વા શ્રી ભગતભાઈ, ચિંતનભાઈ તથા રત્નરાજભાઈ શેઠે લીધેલી જહેમતની પણ આ સ્થળે નોંધ લઉં છું. એમના તરફથી મારાં પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં તે ઉપરાંત મારા જુનિયર મિત્રો શ્રી જીગર શાહનાં બે અને સાધના નાયક-દેસાઈના એક પુસ્તક સાથે એક ડઝન જેટલા અનુવાદો પ્રગટ કરાયા છે. ગુજરાતી ભાષાના વાચકોએ એ પુસ્તકોને એટલા પ્રેમથી વધાવ્યાં છે, કે બહુ જ થોડાં વરસોમાં એનાં એકાધિક પુનર્મુદ્રણો કરવાં પડ્યાં છે. આ કથાને પણ ભાવકો તરફથી એવો જ ઉષ્માભર્યો આવકાર મળશે એવી શ્રદ્ધા છે.
દોલતભાઈ નાયક
Post a Comment
0 Comments